વાનવાળાએ સાડા ત્રણેક વર્ષની બાળકીને અડપલાં કર્યા
અમદાવાદ, બાળકીઓને સ્કૂલ વાનમાં મોકલતા વાલીઓએ ખાસ ચેતવાની જરૂર છે. સ્કૂલવાનવાળા વ્યક્તિની તમામ માહિતી વાલીઓએ રાખવી જરૂરી છે. સાથે જ બાળકીઓને અવાર નવાર વાનવાળા વ્યક્તિઓ વિશે પૂછવું પણ જરૂરી છે. કારણ કે, શહેરમાં એક બાદ એક એવા કિસ્સા બની રહ્યા છે જેનાથી બાળકીઓની સાથે માતા પિતા પણ સતત ચિંતિત થઇ રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ હેવાન વિપુલ ઠાકોર છે. જે ઘાટલોડિયા જનતા નગરમાં રહે છે અને પરિણીત છે. આઠેક વર્ષથી વિપુલ સ્કૂલ વાન ચલાવે છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલના બાળકોની વર્ધિનું કામ તે કરે છે. પણ સાથે જ તે બાળકીઓની જિંદગી બગડી જાય એવું કામ પણ કરે છે. આરોપી વિપુલે નાની બાળકી સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. અનેક સમયથી આરોપીએ એક સાડા ત્રણેક વર્ષની બાળકીને ઘરેથી સ્કૂલે લાવવા મુકવા જતી વખતે અડપલાં કર્યા હતા.
અનેક વાર આ ઘટનાને અંજામ આપ્યા બાદ બાળકી પણ ડરી ગઈ હતી. બાળકી ડરેલી રહેતી હોવાથી તેની માતાએ બાળકની ભાષામાં તેને પૂછ્યું, તો તેણે કહ્યું કે, વાનવાળા અંકલ ગમે ત્યાં ટચ કરતા હતા. ગુપ્ત ભાગો પર ટચ કરીને આરોપી કોઈને ન કહેવા બાળકીને ધમકાવતો હતો.
નાની બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે, તે તેની માતાને પણ એક વારમાં આ વાત કહી શકી નહોતી. તેની માતાએ અવાર નવાર આ બાબતે પૂછ્યું પણ બાળકીને તેની મમ્મી મારશે એવી બીક લાગતી હતી. પણ બાળકીની માતાને આ વાતની ગંધ આવી જતા તે પણ બાળરીતમાં પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી વિપુલની માનસિકતા એટલી હદે વિકૃત છે કે તે બાળકીને ફોનમાં બીભત્સ કલીપ બતાવતો હતો. બાદમાં તેને અડપલાં કરી છેડતી કરતો હતો.
આટલું જ નહીં, આરોપીએ બાળકીના શરીરના ગુપ્ત ભાગો પર અડપલાં કરતા તેની તબિયત પણ ખરાબ થઈ હતી. આરોપીએ છેડતી કરતા બાળકી એટલી હદે ગભરાઈ ગઈ કે તેને તાવ આવવા લાગ્યો હતો. જેથી તેના માતા પિતાએ તેને ડોકટર પાસે લઈ જઈ દવા કરાવી હતી. બાળકીને માનસિક એટલી અસર થઈ ગઈ કે, તેને આ બાબતે પૂછવાની પણ તેના માતા પિતાને ડોક્ટરે મનાઈ કરી દીધી. પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ કરી તો તેમાં આરોપીના ફોનમાંથી બીભત્સ વીડિયો કલીપ પણ મળી આવી છે.
જે પુરાવાના આધારે જ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ માતા પિતાએ આ કિસ્સા પરથી બાળકીઓને સ્કૂલ વાનમાં મોકલતા પહેલા ખાસ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી બની છે. સાથે જ બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચના પાઠ ભણાવવા પણ જરૂરી બન્યા છે.