દિવાળીમાં કાર્યકરોની વચ્ચે જ રહેશે ભાજપ નેતાઓ

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે ચર્ચા થઈ રહી છે અને અટકળો લગાવવામાં આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા એક ખાસ પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ પ્લાન પ્રમાણે જ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકેની ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી ત્યારે ‘નો રિપીટ’ થિયરી અપનાવવામાં આવી હતી. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થવાની સંભાવનાઓ છે ત્યારે ભાજપ દ્વારા સત્તામાં રહેવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભાજપે મિશન ૧૫૦ને લઈને મોટી તૈયારીઓ શરુ કરી દીધી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ દિવાળીમાં કાર્યકર્તાઓની વચ્ચે રહેશે, દિવાળી તેમની સાથે ઉજવશે. પાર્ટીના કાર્યાલય કમલમમાં તેનો પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ પ્લાનમાં રાજ્યની સાથે કેન્દ્રના નેતાઓને પણ સમાવવામાં આવ્યા છે.
ભાજપના આ મેગા પ્લાનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જેવા દિગ્ગજાેના નામો સમાવવામાં આવ્યા છે. અહીં તમામ નેતાઓ કાર્યકર્તાઓને મળશે. ભાજપના ત્રિકોણીયા જંગમાં ભાજપ પૂરતો લાભ લેવા માટે પ્રયાસ કરી રહી છે, જેના કારણે પાર્ટી સતત ચૂંટણીના મૂડમાં આગળ વધી રહી છે.
કેન્દ્ર અને રાજ્યના ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સાથે દિવાળીની ઉજવણી કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સીઆર પાટીલ પણ કાર્યકર્તાઓને મળશે. આ માટે ક્ષેત્ર પ્રમાણે બેઠક કરવામાં આવશે. ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં,
દક્ષિણ ગુજરાતની બેઠક, સુરતમાં, મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં તથા સૌરાષ્ટ્રની બેઠક સોમનાથમાં રાખવામાં આવી છે. પાર્ટીને આશા છે કે કાર્યકર્તાઓ મોટા નેતૃત્વને મળી શકશે અને પોતાના ફીડબેક પણ અહીં રજૂ કરી શકશે. આમ થતા દિવાળીની સાથે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ બમણો થશે.