અમે વૃધ્ધોની સેવા કરીએ છીએ, કહીને રિક્ષામાં બેસાડ્યા હતા: બે સોનાની બંગડી ચોરી
વૃદ્ધાને રિક્ષામાં બેસાડી બે સોનાની બંગડીઓ નજર ચૂકવી ચોરી લીધી
અમદાવાદ, શહેરમાં એક તરફ યુવતીઓ કે મહિલાઓ સુરક્ષિત નથી, પણ હવે તો સિનિયર સિટીઝનો પણ સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ બની રહી છે.
ધાર્મિક કામ માટે ઘરેથી નીકળેલા વૃદ્ધા રસ્તામાં ચાલતા જતા હતા, ત્યારે ત્યાં રિક્ષામાં મહિલા સહિતના લોકો આવ્યા અને વૃદ્ધાને અમે વૃધ્ધોની સેવા કરીએ છીએ, કહીને રિક્ષામાં બેસાડી બે સોનાની બંગડીઓ નજર ચૂકવી ચોરી લીધી હતી. વૃદ્ધાને જાણ થતાં જ તેમણે વાડજમાં આ અંગે ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નવા વાડજમાં આવેલા રત્ન જ્યોત કોમ્પ્લેક્સમાં રહેતા ૭૩ વર્ષીય સુભદ્રા બહેન પંચાલ તેમના દીકરા અને વહુ સાથે રહે છે. તેમના પતિનું આઠ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ગત સપ્ટેમ્બર માસમાં તેઓ ઘરેથી નીકળી બ્રહ્માકુમારી સંસ્થા ર્નિણયનગર ખાતે ધાર્મિક પ્રવચનમાં જતા હતા.
તે વખતે તેઓ એકલા જતા હતા ત્યારે જલારામ ફરસાણ રામેશ્વર મંદિર પાસેથી ચાલતા જતા હતા. ત્યારે સાંજના સવા ચાર વાગ્યે પાછળથી એક ઓટોરીક્ષા આવી હતી. ઓટોરીક્ષાના ચાલકે આ વૃદ્ધા પાસે રીક્ષા ઉભી રાખી હતી. બાદમાં રિક્ષામાં બેઠેલા ડ્રાઇવર અને પાછળની સીટમાં બેઠેલા એક બહેને વૃદ્ધા સાથે વાતચીત કરી હતી. આ બહેને સાડી પહેરી હતી અને મોઢે દુપટ્ટો બાંધ્યો હતો.
આ બંને લોકોએ આ વૃદ્ધાને જણાવ્યું કે, રીક્ષામાં બેસી જાવ, તમે ઉંમરલાયક છો અને અમે ઉંમરલાયક માણસોની સેવા કરીએ છીએ. જેથી વૃદ્ધ રીક્ષામાં બેસી ગયા હતા. બાદમાં આરોપીઓએ રીક્ષા ઉભી રાખી હતી અને રીક્ષામાં બેઠેલા શખ્સ આ વૃદ્ધાની બાજુમાં આવીને બેસી ગયો હતો. બાદમાં રીક્ષા લઈને આગળ જતા રહ્યા હતા.
આ વૃદ્ધાને બ્રહ્માકુમારી સંસ્થા આગળ ઉતારવાનું હતું, પરંતુ તેમને અન્ય જગ્યાએ ઉતારી દીધા હતા. વૃદ્ધા રિક્ષામાંથી ઉતર્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની બે સોનાની બંગડીઓ હાથમાં નહોતી. જેથી રિક્ષામાં બેઠેલા શખ્સો નજર ચૂકવી આ સોનાની બંગડી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જણાતા તેમણે આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.