મહુડીમાં વહેલી સવારથી જ ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું
દિવાળી નિમિત્તે મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર-લોકો માતાજીના કે ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચ્યા
અમદાવાદ, ગાંધીનગરના મહુડીમાં વહેલી સવારથી જ ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે. હજારો દર્શનાર્થીઓ દર્શન માટે મંદિરે પહોંચી ગયા છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનની પ્રક્ષાલ પૂજા કરવામાં આવી. આ પ્રક્ષાલ પૂજા વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે. તદુપરાંત બપોરની ૧૨ વાગ્યાની વરખ પૂજાને લઇને પણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. વરખ પૂજા બાદ મહુડીમાં હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળીના પાવન પર્વ નિમિત્તે આજે સુપ્રસિધ્ધ સાળંગપુર મંદિરે મારુતિ યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાળીચૌદશ નિમિત્તે પણ ખાસ પૂજાનું આયોજન કરાયું હતું. હનુમાનજી દાદાને આજે હિરાજડિત ડાયમંડના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે.
સાળંગપુર મંદિરે દાદાના દર્શને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. દિપાવલીના તહેવારને લઈ સોમનાથમાં પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. ૨ વર્ષ બાદ દિવાળીના તહેવારમાં સોમનાથમાં ભક્તોનો ભારે ધસારો જાેવા મળ્યો છે.
દિવાળી નિમિત્તે શક્તિપીઠ પાવાગઢમાં પણ ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું છે. પાવાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દિવાળીના દિવસે માં મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે પાવાગઢ ખાતે વહેલી સવારના ૪ વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતાર જાેવા મળી હતી.
મહાકાળી માંના જયઘોષ સાથે મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું હતું.આ સિવાય અમદાવાદના જગન્નાથ મંદિરે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા પહોંચ્યા હતા. આજે ભગવાનને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે આ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
આજના આ દિવાળીના પાવન પર્વને લઇ અમદાવાદીઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તદુપરાંત દિવાળી નિમિત્તે મંદિર દ્વારા વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી, વિક્રમ સંવત ૨૦૭૮નો આખરી દિવસ છે ત્યારે અમદાવાદીઓમાં દિવાળીની ઉજવણીને લઇ ભારે ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે.
કેટલાય લોકો આજનાં દિવસે વહેલી સવારે અમદાવાદની નગર દેવી ગણાતા ભદ્રકાળી માતાના મંદિરે દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી. એવું કહેવાય છે કે આજે ભદ્રકાળી માતાજીનો લક્ષ્?મીજીનાં સ્વરૂપમાં શૃંગાર કરવામાં આવ્યો હતો. આવનારા નવા વર્ષને વધાવવા માટે લોકોમાં ઉત્સાહ પણ અનેરો વર્તાતો હતો.
આગામી વર્ષ સુખદ રીતે પસાર થાય તેની માટે ભાવિકો માતાજીના આશીર્વાદ મેળવવા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પધાર્યા હતા.સુરતમાં પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના પ્રખ્યાત અંબિકાનિકેતન મંદિરમાં પણ ભક્તોનો ભારે ધસારો જાેવા મળ્યો. ખૂબ જ મોટી સખ્યામાં અહીંયા લોકો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા. ભક્તોએ માતાજીની પૂજા-આરતી કરી ધન્યતા અનુભવી હતી.