જિલ્લાની બેંકોમાં ભીડ જામતાં વારંવાર દરવાજા બંધ કરવાની ફરજ પડી
છેલ્લી ઘડીએ બજારની સાથે બેંકમાં ભીડ ઉમટતા અફરા તફરી
બાયડ, છેલ્લી ઘડીએ દિપાવલી તહેવારના કારણે બજારમાં ભીડ જામી છે પરંતુ બેંકોમાં પણ શનિવારે રજા હોવાના કારણે તેની પૂર્વ સંધ્યાએ બેંકોમાં એટલી હદે ભીડ એકત્ર થઈ કે વારંવાર દરવાજા બંધ કરવાની નોબત આવી હતી. કેટલીક બેંકોમાં તો ટોકન આપીને ગ્રાહકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અનેક લોકોને પૈસા માટે વલખાં મારતા જાેવા મળ્યા.
પ્રાપ્ત જાણકારી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પર્વાધિરાજ પર્વ દિપાવલીનો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. કાપડ, ઝવેરી, વાસણ, ફૂટવેર સહિતના બજારમાં ધુમ ઘરાકી જાેવા મળી છે જયારે આજથી ફટાકડા બજારમાં ધૂમ ઘરાકીની સંભાવના દેખાઈ રહી છે. જયારે ચોથો શનિવાર હોવાથી આજે બેંકો બંધ રહેવાની હોવાના કારણે કર્મચારીઓ સહિત અન્ય બેંકના ગ્રાહકો જિલ્લામાં આવેલી નેશનાલાઈઝ અને કો.ઓપ. બેંકોમાં પૈસા માટે પહોચ્યા હતા પરંતુ ત્યાં એટલી હદે ભીડ હતી કે ખુદ બેંક સત્તાવાળાઓ ડઘાઈ ગયા હતા વારંવાર કેટલીક શાખાઓમાં ઉગ્ર બોલાચાલીના અવાજ પણ સાંભળવા મળ્યા.
જે રીતે દિપાવલી તહેવાર દરમ્યાન બેંકોમાં ભીડ જામી તે જાેતાં આગામી ર દિવસ દરમ્યાન બજારમાં તમામ વેપાર-ધંધાને મોટો બુસ્ટ ડોઝ મળવાની સંભાવના વધી ગઈ છે કેટલીક બેંકોમાં કડકડતી નવી નોટો માટેનો કકળાટ પણ સાંભળવા મળ્યો છે. જિલ્લાના અનેક એ.ટી.એમ. આગળ પૈસા ઉપાડવા માટે ગ્રાહકોની ભીડ સાથે વારંવાર બેંક સત્તાવાળાઓને એ.ટી.એમ. મશીનમાં પૈસા લોડ કરવાની નોબત આવી હતી. જિલ્લાની નેશનલાઈઝ બેંકના કર્મચારીએ જણાવ્યું કે દિવાળીના પર્વ દરમ્યાન ક્યારેય બેંકોમાં આટલી ભીડ અમે જાેઈ નથી.