Western Times News

Gujarati News

રતનપુર ચેકપોસ્ટ પાસે ટ્રકમાં લાખોના દારૂના જથ્થા સાથે ત્રણ આરોપી ઝડપાયા

દારૂ પાણીની બોટલના કાર્ટુનની આડમાં સંતાડ્યો હતો : ટ્રકમાં દારૂ ભરી આપનાર હરિયાણાના શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

શામળાજી, શામળાજી પોલીસે બે ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
અરવલ્લી એસ.પી. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર તહેવારોમાં દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ટ્રક-કન્ટેનરમાંથી ર૭.૬ર લાખ અને અન્ય એક ટ્રકમાંથી ૪.૬૮ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા.

શામળાજી પીએસઆઈ વિરલ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરી બાતમીદારોને સક્રિય કરી ટ્રક કન્ટેનરમાં પાણીની બોટલ કાર્ટૂન અને ટોસના પેકેટની આડમાં સંતાડેલ પ૦૧ પેટીમાંથી વિદેશી દારૂની ૬૦૧ર બોટલ કિ. રૂા.ર૭૬રર૮૦/- તેમજ પાણીની બોટલ, મોબાઈલ, ટ્રક કન્ટેનર અને અન્ય મુદ્દામાલ મળી રૂા.૩પ.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના ટ્રક ચાલક સુમીત કાશીરામ પાલ અને કલીનર રમણ શૈલેન્દ્ર પાલને ઝડપી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના કર્નાલના હર્ષ નામના બુટલેગર સામે પ્રોબિહિબશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજી પોલીસ ટ્રક કન્ટેનરમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપી લીધાની કાયદેસરની કાર્યવાહી ચાલતી હતી ત્યારે વધુ એક રાજસ્થાન તરફથી ઘરવખરી ભરી આવી રહેલા શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી ૪.૬૮ લાખથી વધુનો શરાબનો જથ્થો જપ્ત કરી હરિયાણાના ટ્રકચાલક મુનફેજ મહેમુદ મેવને જબ્બે કરી વિદેશી દારૂ, ટ્રક મળી કુલ રૂા.૧૯.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણા છારોડાના રાહુલ નામના બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.