અમદાવાદના સારંગપુરમાં દિવાળીના દિવસે રાત્રે ગોડાઉન અને મકાનોમાં ભીષણ આગ
અમદાવાદ, દિવાળીની મોડી રાતે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં લાલનું ડહેલું નામની જગ્યામાં કાપડ વેસ્ટના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જાેતજાેતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેણે ગોડાઉન અને કેટલાંક મકાનોને ચપેટમાં લીધાં હતાં. દરમિયાન આગને પગલે ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. ત્રણેય સિલિન્ડર ફાટ્યાં હતાં.
આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ગોડાઉનની ઉપર ૧૧ જેટલાં રહેણાક મકાનો આવેલાં હતાં. જે પણ આગની જ ઝપેટમાં આવી ગયાં હતાં. જેમાં છ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયાં હતાં.
જ્યારે પાંચ મકાનોને ફાયર બ્રિગેડ દ્વારા ઝડપી કામગીરી કરી બચાવી લેવામાં આવ્યાં હતાં. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે, સારંગપુર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી છે. જેથી એક અધિકારી સહિત ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.
કાપડનું વેસ્ટ ધરાવતા ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ પ્રસરી ઉપર આવેલાં ૧૧ જેટલાં રહેણાક મકાનોમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ ઉપર મકાનમાં રહેતા લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને રહેણાક મકાનોમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. જેમાં છ મકાનો સંપૂર્ણપણે આગની જ ઝપેટમાં આવી ગયાં હતાં.
આગ એટલી વિકરાળ અને મકાનોમાં ફેલાઈ હતી કે, ફાયર બ્રિગેડને તેને કાબૂમાં લેવા માટે પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ આગના કારણે ત્રણ જેટલા સિલિન્ડર પણ મકાનોમાં બ્લાસ્ટ થયાં હતાં. વહેલી સવારે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી.
ફાયર બ્રિગેડ દ્વારા પાંચ જેટલાં મકાનોને આગની ઝપેટમાં લાવતાં બચાવી લેવામાં આવ્યાં હતાં. દિવાળીનો તહેવાર હોવાના કારણે મોટાભાગનાં મકાનો બંધ હતાં. જ્યારે જે મકાનોમાં કેટલાક લોકો રહેતા હતા તેઓ તાત્કાલિક નીચે ઊતરી ગયા હતા. જેથી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.HS1MS