નાગરિકોને સમાન હક્કો મળે એ માટે રાજયમાં કોમન સીવીલકોડ માટે મહત્વનું પગલું
સુપ્રિમ કોર્ટ/હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયધીશના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાશે:કમિટીના રીપોર્ટ બાદ રાજય સરકાર યોગ્ય નિર્ણય કરશે
પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં કોમન સિવિલ કોડનો અમલ કરવા માટે મહત્વનો નિર્ણય લઈ એક કમિટીની રચના કરી છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આજે તમામ મંત્રીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને કોમન સિવિલ કોડનો અમલ કરવા માટેનો અધિકાર આપ્યો છે. આ અધિકારના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આ માટે રાજ્યમાં સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. રીપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે તેમ તેમણે ઉમેર્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કોમન સીવીલ કોડના અમલની રાજયના નાગરિકોની વર્ષો જૂની આશા આજે આ કમિટીની રચનાથી પૂર્ણ થશે ત્યારે રાજયના તમામ નાગરિકો વતી મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો છે.