વડાપ્રધાન મોદી સરદાર પટેલ જયંતીએ કેવડિયા ખાતે એકતા પરેડમાં સહભાગી થશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૩૦ઑકટોબર થી તા.૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
વડોદરા, થરાદ અને જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત-લોકાર્પણ કરાશે : તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે
પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આવતી કાલે તા.૩૦મી ઓક્ટોબરથી તા.૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે જોડાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓશ્રી તા.૩૦મી ઑકટોબરના રોજ વડોદરા ખાતે આવી પહોચશે. ત્યાર બાદ વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. ત્યારબાદ તેઓશ્રી તા.૩૧મી ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી
ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓશ્રી કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી જીલશે. આ જ દિવસે બપોરે વડાપ્રધાનશ્રી ઉત્તર ગુજરાત માટેના વિવિધ વિકાસકામોનું થરાદ ખાતેથી ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તા.૧લી નવેમ્બરના રોજ સવારે વડાપ્રધાનશ્રી માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓશ્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.