મોરબીની ઘટનાના પગલે સાવચેતીઃ અટલ બ્રિજની ૩૦૦૦થી વધારે લોકો મુલાકાત નહીં લઈ શકે
અમદાવાદ, મોરબીની દુર્ઘટનાને લઈ હવે અમદાવાદના અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને લઈ મનપાએ એક મોટો ર્નિણય કર્યો છે. હવેથી એકસાથે ૩૦૦૦થી વધારે લોકો સાબરમતી નદી ઉપર બનાવાયેલ અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે.
રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મુકવામાં આવેલા અટલ ફૂટ ઓવર બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. ઘણી વખત તો બ્રિજ પર પગ મુકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે મોરબી જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? જેના ગણતરીના કલાકોમાં જ તંત્ર દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિશિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. AMC દ્વારા તાત્કાલિક અસરથી અટલ ફૂટ ઓવર બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યાને લઈ મોટો ર્નિણય કર્યો છે. જેથી હવે એકસાથે ૩૦૦૦થી વધારે લોકો સાબરમતી નદી ઉપર બનાવાયેલ અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે. મહત્વનું છે કે, એક દિવસમાં ૩૫ હજાર લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.
દ્વારકાનો સુદામા સેતુ પુલ બંધ કરાયો
૩૦ ઓક્ટોબરે સાંજે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનામાં ૧૩૦થી વદુ નિર્દોષોના મોત બાદ ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચી ગયો છે. સલામતીના ભાગ રૂપે આગામી આદેશ ન આવે ત્યાં સુધી દ્વારકામાં ગોમતીઘાટ પાસે આવેલ સુદામા સેતુ પુલ બંધ કરવામાં આવ્યો છે.