લુમ્સના કારખાનામાં કામ પર જશો તો હાથ કાપી નાખવામાં આવશે
સુરતમાં ઉડિયા ભાષામાં મેસેજ વાઇરલ થતા ડરનો માહોલ-લુમ્સના કારખાનેદારો દ્વારા પર મીટર ઉપર ૨૦ પૈસાનો વધારો કરવાની માગ કામદારો દ્વારા ફરી એક વખત કરવામાં આવી છે
સુરત, સુરતમાં લાખોની સંખ્યામાં લુમ્સના કારખાનાઓ કાર્યરત છે. લસકાણા સ્થિત ડાયમંડ નગર અને અંજની ઇન્ડસ્ટ્રીમાં ગયા વર્ષે પણ ભાવ વધારાને લઈને કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા .
આ વખતે સોશિયલ મીડિયા માધ્યમથી કેટલાક અસામાજિકતત્વો દ્વારા ડરનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વેતન વધારો કર્યા વગર જાે કોઈ કામદાર લુમ્સના કારખાનામાં કામ પર જશે તો હાથ કાપી નાખવામાં આવશેના મેસેજ વાઇરલ કરવામાં આવ્યા છે.
લુમ્સના કારખાનેદારો દ્વારા પર મીટર ઉપર ૨૦ પૈસાનો વધારો કરવાની માગ કામદારો દ્વારા ફરી એક વખત કરવામાં આવી છે. ઉડિયા સમાજના કામદારો ખૂબ મોટી સંખ્યામાં હોવાને કારણે ઓરિયા ભાષાની અંદર જ વિરોધ કરવા માટેના પોસ્ટરો લખવામાં આવતા હોય છે અથવા તો સોશિયલ મીડિયાના મારફતે કરવામાં આવે છે.
હાલ જે મેસેજ વાઇરલ કરવામાં આવ્યો છે તેમાં લખાયું છે કે દિવાળીના વેકેશન પૂર્ણ થયા બાદ કારખાના શરૂ કરવા માટે કારખાનેદારો આવશે ત્યારે કોઈ કામદારે કારખાનામાં જવું નહીં. જાે કોઈ કામદાર કારખાનામાં કામ કરતો દેખાશે તો તેના હાથ પગ કાપી નાખવામાં આવશે એ પ્રકારની ધમકી લખવામાં આવી છે.
અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું કે ગત વર્ષે પણ આ વિસ્તારના કેટલાક અસામાજિકતત્વો કામદારોને ભડકાવતા હોય છે. ગયા વર્ષે દિવાળીના સમયે જ બેનર લગાડવામાં આવ્યા હતા પરંતુ આ બાબતની ગૃહ મંત્રાલય લઈ સુધી અમે ફરિયાદ કર્યા બાદ શાંતિપૂર્ણ માહોલમાં કામ ફરી શરૂ થઈ ગયું હતું.
જાેકે આ વખતે પોસ્ટર લગાડવાને બદલે વધુમાં વધુ સોશિયલ મીડિયા મારફતે સંદેશો વહેતા મૂકવામાં આવ્યો છે. જેને કારણે ડરનો માહોલ છે. દિવાળીનું વેકેશન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને કારખાનાઓ શરૂ થાય તે પહેલા જ અસામાજિકતત્વો સક્રિય થઈ ગયા છે.
અંદાજે અંજની એસ્ટેટમાં ૪૦ હજાર કરતાં વધુ અને ડાયમંડ નગરમાં ચાલીસ હજાર કરતા વધુ કામદારો કામ કરે છે. કેટલાક આ સામાજિક તત્વો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ઇન્ડસ્ટ્રીઝનો વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરે છે.