શ્રીદક્ષિણામૂર્તિ બાલમંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો
પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તેમજ સંસ્થાનાં ખ્યાતનામ ૪૦ પૂર્વ વિદ્યાર્થી દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર શતાબ્દી મહોત્સવ (૨૦૧૯-૨૦) શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર, ભાવનગરનાં શતાબ્દી મહોત્સવ અમદાવાદ શહેરમાં પ્રકાશ હાઈસ્કુલ, વસ્ત્રાપુર, ખાતે યોજાયો હતો. જેમાં અમદાવાદ, ભાવનગર તથા ગુજરાતમાં વસતાં દક્ષિણામૂર્તિનાં શુભેચ્છકો, પૂર્વ વિદ્યાર્થીઓ, પરિવારનાં આપ્તજનો અને દક્ષિણામૂર્તિ પરિવારનાં સભ્યો ઉપસ્થિત રહયાં હતાં. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને સંસ્થાનાં ખ્યાતનામ ૪૦ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શતાબ્દી ઉજવણી પ્રસંગે યોજાયેલ આ કાર્યક્રમ ભાગ્યેશ જહાનાં પ્રમુખ સ્થાને તથા પૂર્વ વિદ્યાર્થી શ્રી અમીત દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સંસ્થાનાં સ્થાપક શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી હરભાઈ ત્રિવેદી અને શ્રી ગિજુભાઈ બધેકાનાં પરિવારજનોએ મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ધીરેન્દ્ર મુનિએ સૌને શ્રી દક્ષિણામૂર્તિની ધરોહરને સાચવવા તન, મન, ધનથી સહકાર આપવાની અપીલ કરી હતી. સાથે શ્રી પંકજભાઈ દેસાઈએ પૂર્વ વિદ્યાર્થીઓને સતત સંસ્થાનાં સંપર્કમાં રહેવા અપીલ કરી હતી. પ્રમુખ સ્થાનેથી શ્રી ભાગ્યેશભાઈએ ખૂબ જ હળવી શૈલીમાં શિક્ષણ, સંસ્કૃતિ, સંસ્કાર અને શતાબ્દી સફરની વાત ખૂબ માર્મિક રીતે રજૂ કરી હતી.
જયારે પૂર્વ વિદ્યાર્થી શ્રી અમીતભાઈએ શ્રી દક્ષિણામૂર્તિની વર્ગખંડ-શિક્ષણ અને કેળવણી સુધીની યાત્રાનો ઉલ્લેખ કરી પોતાનાં સંસ્મરણો વાગોળ્યા હતા. સભાખંડમાં ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પોતાનાં સંસ્મરણો વાગોળ્યા હતાં, જેમાં શ્રી દક્ષિણામૂર્તિનું સંગીત, આંબલીનાં કાતરા, નાસ્તો અને બાલમંદિર પરિસરનું અલૌકિક અદ્ભુત વાતાવરણ હજુ આજેય બધાને હૃદયમાં અંકિત થયેલું છે તેમ જણાઈ રહ્યું હતું. અમુક પૂર્વ વિદ્યાર્થીઓ ભાવાવેશમાં આવી જતા બાળગીતો સાથે નાચવા લાગ્યા હતા. કાંચી પંડયા અને નેહા શાહે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.
પ્રેક્ષકોને જકડી રાખેલ અને પૂર્વ વિદ્યાર્થીઓને પોતાનાં અનુભવો જણાવવાનું જણાવતાં સમગ્ર પ્રેક્ષકગણમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. ફોક ડાન્સ તથા વાઘછંદનાં કલાકારોએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને ડોલાવી દીધા હતા. બાળગીતો દ્વારા મોટી ઉંમરનાં પૂર્વ વૃદ્ધ વિદ્યાર્થીઓ, કલાકારો સાથે ગાવા લાગ્યા હતા અને ભાવાવેશમાં આવી નાચવા લાગ્યા હતા. સુગમ ગીતોએ પણ સુગમ ગીત ચાહકોને પ્રભાવિત કરી દીધા હતા, છેલ્લે, ૧૯૮૯ની બેચનાં શ્રી ખમીરભાઈ મજમુદારે આભાર વિધિ કરી હતી.