ગાંધીનગરમાં વિઘાનસભાની ચૂંટણીને અનુલક્ષી સમીક્ષા બેઠક યોજાઈ
(એજન્સી)ગાંધીનગર, આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ને અનુલક્ષીને ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિઘ ટીમોના નોડલ અધિકારીઓ, આર.ઓ. અને એ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લામાં ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ સરળ અને સુચારું સંચાલન માટે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તેના આયોજન અર્થે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.એ ઇ.વી.એમ. અને વીવીપેટ મીશન અને ઓર્બ્ઝવર અને ચૂંટણી માટેના જરૂરી વાહનોની વ્યવસ્થા અંગેની થયેલી કામગીરીની વિગતો સંબંઘિત નોડલ અધિકારી પાસેથી મેળવી હતી.
ચૂંટણી પ્રક્રિયામાં સંકાળાયેલ અધિકારી – કર્મચારીઓની ચૂંટણી સંલગ્ન જરૂરી કામગીરી માટેની તાલીમ વ્યવસ્થાની પણ માહિતી સંબંઘિત નોડલ અધિકારી પાસેથી મેળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ સત્વરે ડેટા એન્ટ્રી અને તાલીમ કામગીરી સુચારું રીતે ઝડપથી કરવા માટેનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી માટે જરૂરિયાત હોઇ તેવી ચીજવસ્તુઓની માહિતી તાત્કાલિક આર.ઓ. પાસેથી મેળવી લેવા જણાવ્યું હતું. તેમજ આ ચીજવસ્તુઓની ટેન્ડરીંગ કામગીરી પણ ઝડપભેર પૂર્ણ કરવા માટે સંબંઘિત નોડલ અધિકારીને સૂચના આપી હતી.
તેમજ એમ.સી.સી. કમિટી, બેલેટ કમિટી, મીડિયા સેલ, આઇ.ટી. કમિટી, હેલ્પલાઇન અને ફરિયાદ કમિટી, એસ.એમ.એસ મોનીટરિગ, કોમ્યુનિકેશન પ્લાન અને સોશ્યિલ મીડિયા કમિટી, સ્વીપ કમિટી, દિવ્યાંગ મતદાર સુવિઘાઓ માટેની કમિટીના નોડલ અધિકારીઓ પાસેથી તેમની કક્ષાએથી થયેલી જરૂરી કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી.
તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચન પણ આપ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી જાહેર થાય તેની ગણતરીની મિનિટમાં ફલાઇંગ સ્કવોડ,સ્ટેટીક સર્વેલન્સ ટીમને તમામ તાલુકામાં કાયર્ન્વિત કરી દેવાનું પણ કલેકટરએ સંબંઘિત નોડલ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમજ વિડિયો સર્વેલન્સ ટીમ, વિડિયો વ્યુઇંગ ટીમ અને એકાઉન્ટીંગ ટીમના નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સુચારું આયોજનની માહિતી પણ સંબંઘિત નોડલ અધિકારીઓ પાસેથી મેળવી હતી. સંબંઘિત ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદા- વ્યવસ્થા સુચારું જાળવાઇ રહે તે માટે કરવામાં આવેલા આયોજનની પણ વિગતો મેળવી હતી.