કાંકરીયા ગામમાં આવીને ભરવાડોએ કરેલા હુમલામાં વિરોધમાં આદિવાસી સમાજનું આવેદનપત્ર
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના કાંકરીયા ગામે ભરવાડોએ આદિવાસી સમાજના યુવાનો અને બાળકોને માર મારતા આદિવાસી સમાજમાં રોષ જાેવા મળ્યો હતો.જેથી સમગ્ર આમોદ તાલુકામાંથી આદિવાસી સમાજ આવેદનપત્ર આપવા ઉમટી પડ્યો હતો.તેમજ આમોદ પોલીસ પણ ભરવાડોને ખુલ્લો સપોર્ટ કરતી હોવાનો આક્ષેપ કરી આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ૨૯ મી ઓક્ટોમ્બરના રોજ મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ છતાં પોલીસે લાવેલા આરોપીને છોડી મુક્યો હતો.જેથી આરોપીએ બીજા દિવસે ગેરકાયદેસર મંડળી બનાવી ૨૧ થી વધુ ભરવાડોએ ભેગા મળી આદિવાસી સમાજના નાના બાળકો તેમજ યુવાનો ઉપર ડાંગના સપાટા મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.
જેમાં પોલીસની કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.આવેદનપત્ર આપ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જય આદિવાસી જય જાેહર ના સૂત્રો પોકારી આદિવાસી સમાજે રોષ વ્યકત કર્યો હતો. આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખોડિયાર નગર અને મેલડી નગરના ભરવાડો અલગ અલગ બહાના હેઠળ ઢોર ચરાવતા અને ખેતરે જતા માણસો અને સ્ત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.કાંકરીયા અને માનસંગપુરાના ગરીબ અભણ અને મજૂરીયાત વર્ગને રોજી રોટીના કામે બહાર નીકળવાનું હોય ભરવાડોના ભયથી જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.જે બાબતે તેમણે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.