દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા
નાણાંકીય વર્ષ ૨૦૨૩-’૨૪ના એક્શન પ્લાન બાબતે કરેલી ચર્ચા-વિચારણાં
(પ્રતિનિધિ)સેલવાસ, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દાને સાર્થક કરવા અને ગ્રામ પંચાયતની જન વિકાસ યોજના સંદર્ભે સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલની અધ્યક્ષતામાં આજે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતના વિકાસની વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ગ્રામસભામાં સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી હતી. સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે એક્શન પ્લાન બનાવવા માટે લેવામાં આવનાર વિકાસકામોની યોજનાઓ અંગે ગ્રામસભામાં ઠરાવની મંજૂરી મેળવી હતી. આ અવસરે આસિસ્ટન્ટ ડી.પી.ઓ. શ્રી મિતેષ પાઠક, વિભાગના જિ.પ. સભ્ય શ્રીમતી વૈશાલીબેન, ડેપ્યુટી સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ સહિત પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.