ટી૨૦ વર્લ્ડ રેન્કિંગમાં સૂર્ય કુમાર નંબર વન પર પહોંચ્યો
દુબઈ, ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપ વચ્ચે ભારતના સ્ફોટક બેટસમેન સૂર્યકુમાર યાદવે ટી-૨૦ રેન્કિંગમાં નંબર વનનો તાજ પાકિસ્તાનના ઓપનર રિઝવાન પાસેથી છીનવી લીધો છે. આઈસીસી દ્વારા જાહેર થયેલા લેટેસ્ટ રેન્કિંગમાં સૂર્ય કુમાર યાદવ નંબર વન પર પહોંચ્યો છે. જ્યારે રિઝવાન બીજા ક્રમે ખસી ગયો છે.
સૂર્યકુમાર યાદવે ટી-૨૦ વર્લ્ડકપમાં પણ પોતાનુ ધરખમ ફોર્મ યથાવત રાખ્યુ છે. સાઉથ આફ્રિકા સામેની હાફ સેન્ચુરીની ઈનિંગ બાદ સૂર્યકુમારને ટી-૨૦માં નંબર વન રેન્કિંગ મળ્યુ છે. આ પહેલા સૂર્યકુમાર ૮૨૮ રન સાથે ત્રીજા ક્રમે હતો પણ નેધરલેન્ડ સામે ૫૧ અને સાઉથ આફ્રિકા સામે ૬૮ રનની ઈનિંગના કારણે હવે તે ૮૬૩ પોઈન્ટ સાથે પહેલા ક્રમ પર આવી ગયો છે.
નવા રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો ડેવોન કોન્વે ત્રીજા ક્રમે, પાકિસ્તાનનો બાબર આઝમ ચોથા ક્રમે અને સાઉથ આફ્રિકાનો માર્કરામ પાંચમા ક્રમ છે. જ્યારે વિરાટ કોહલી ટોપ ટેનમાં સામેલ છે. બીજી તરફ રોહિત ૧૫મા અને રાહુલ ૨૨મા સ્થાને છે. બોલરોની રેન્કિંગમાં રાશિદ ખાન નંબર વન પર છે. જ્યારે શ્રીલંકન સ્પિનર વનિંદુ હસરંગા બીજા ક્રમે આવી ગયો છે.
સાઉથ આફ્રિકાનો તબરેઝ શમ્સી ત્રીજા અને ઓસ્ટ્રેલિયાનો હેઝલવૂડ ચોથા ક્રમે છે. ઓલરાઉન્ડરના રેન્કિંગમાં શાકિબ અલ હસન ટોપ પર છે. જ્યારે મહોમ્મદ નબી બીજા અને ભારતનો હાર્દિક પંડ્યા ત્રીજા ક્રમે છે.