નવા સચિવાલય ખાતે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઇ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઇ હતી.
આ પ્રાર્થનાસભામાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને દિવંગતના આત્માઓને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નવા સચિવાલય ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સર્વધર્મ પ્રાર્થના તેમજ વૈદિક મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા તા.૦૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં આજે વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.