આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે નોકરી છોડી દીધી હતી
ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ચાન્સેલર તથા મહિલાઓને સ્વનિર્ભરતાનો માર્ગ પ્રશસ્ત કરનાર પદ્મભૂષણથી સન્માનિત શ્રીમતી ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન
અમદાવાદ, ગુજરાતના જાણીતા સમાજ સેવિકા ‘સેવા’ સંસ્થાના સંચાલિકા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જાણીતા સમાજ સેવિકા અને સમાજ સેવાના ભેખધારી ઈલાબેન ભટ્ટનું આજે હોસ્પિટલમાં 89 વર્ષની વયે નિધન થયું છે.
તેઓ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. આ બીમારીના કારણે તેમણે થોડા સમય પહેલા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદેથી રાજીનામું આપ્યું હતું.ઈલાબેન વિવિધ સમાજ સેવાની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. નારી ઉત્થાન માટે તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના સામાજીક સેવાના પ્રદાનને લઈને તેમને વિશ્વના પ્રતિષ્ઠિત મેગ્સેસે એવોર્ડથી સન્માનીત કરાયા હતા.
અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ ‘સેવા’ના સ્થાપક ઈલાબેને આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે નોકરી છોડી દીધી હતી. તેમના પુરા પરિવારમાં દેશપ્રેમ ભરેલો હતો. પરિવાર પર ગાંધીજીનો પ્રભાવ હતો. ઈલાબેને અમદાવાદમાં કાયદામાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી.
એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નોકરી કર્યા બાદ તેઓ કિસટાઈલ લેબર એસો. સાથે જોડાયા હતા. તેમની સમાજ સેવાની પ્રવૃતિને લઈને 1977માં મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનીત કરેલા. ઉપરાંત અનેક એવોર્ડ તેમને મળેલા છે.