આ નગરપાલિકાના સત્તાધિશોએ 80 લાખની રોડ રીપેરીંગની ગ્રાન્ટ બમ્પ બનાવવામાં વાપરી
એજન્સીને બચાવી લેવાઈ
કેશોદમાં રસ્તા મરામતની રૂ.૮૦ લાખની ગ્રાન્ટ નગરપાલિકાએ વેડફી નાંખી-રસ્તા બનાવવાના બદલે ઠેર ઠેર બમ્પ બનાવી નાખ્યા
કેશોદ, કેશોદ નગરપાલિકા વિસ્તારમાં ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તાની મરામત કરવા રીસફેંસીગની ગ્રાન્ટ રૂ.૮૦ લાખ ફાળવવામાં આવી હતી. પરંતુ સત્તાધિશો શહેરીજનોને સુવિધા ઉપલબ્ધ કરાવવાને બદલે ગ્રાન્ટ ગેરવલ્લે કરવામાં નંબર વન સાબિત થયા છે.
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ વર્ષની ગેરંટી પીરીયડવાળા રસ્તાઓ પર ફરીથી ડામર રોડ બનાવી કામ રાખનાર એજન્સીને બચાવવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણીના કારણે પડેલા ખાડા પુરવાને બદલે ઠેર ઠેર બમ્પ બનાવી રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રકમ ગેરવલ્લે કરવામાં આવી છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે પણ રીસર્ફેસીંગની રકમ રૂ.૮૦ લાખ ફાળવવામાં આવી હતી. જેમાંથી અડધોઅડધ રકમના ખોટા બિલ બનાવી ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. કેશોદ નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સ્ટેટ હાઈવે સંભાળ્યા બાદ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી નથી
ત્યારે કેશોદ શહેરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સ્ટેટ હાઈવે પર ચોમાસામાં પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો હેરાનપરેશાન થઈ રહ્યાં છે. છતાં કેશોદ નગરપાલિકા સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી.
કેશોદમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સ્ટેટ હાઈવે સંભાળી લીધા બાદ બાંધકામની પરવાનગીના નિયમો બદલાઈ જતા ભૂમાફિયાઓને લાભ અપાવવામાં તલ્લીન નગરપાલિકા સત્તાધિશોને શહેરીજનોની સમસ્યા ધ્યાનમાં આવતી નથી.
જેના કારણે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં ધારાસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેશોદ નગરપાલિકા સત્તાધિશોની મનમાનીના કારણે સત્તાધારી પક્ષને શહેરીજનોના રોષનો ભોગ બનવું પડે તો નવાઈ નહી.