વલસાડ જિલ્લાની ઉમરગામ, કપરાડા અને પારડી બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર
વલસાડ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણ નાં માહોલમાં ગરમાહટ ની શરૂઆત થઈ ચુકી છે. કોંગ્રેસે વલસાડ જિલ્લાની પાંચ બેઠકો પૈકી ઉમરગામ, પારડી અને કપરાડા બેઠક ઉપર ત્રણ ઉમેદવારો જાહેર કરી દીધા છે તેથી કાર્યકરો, ટેકેદારો ઉત્સાહ માં આવી ગયા છે. કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારો મુજબ પારડીની બેઠક માજી તાલુકા પંચાયતના પ્રમુખ જયશ્રીબેન પટેલની પસંદગી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, જયશ્રીબેનના માતા સવિતાબેન પટેલ ૧૯૮૫માં પારડી બેઠક ઉપર કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તદ્ઉપરાંત કપરાડાની બેઠક માટે રાજ્યના માજી મંત્રી બરજુલભાઈનવલાભાઈના પૂત્ર વસંતભાઈ બી. પટેલને ટિકિટ આપી પક્ષે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. છેવાડાની ઉમરગામ બેઠક માટે ભિલાડના માજી સરપંચ તેમજ જિલ્લા પંચાયતના માજી સભ્ય નરેશ વળવીની પસંદગી કરાઈ છે. નરેશ વળવી બે ટર્મથી ટિકિટ વંચીત રહેલા હતા.
આ ચૂંટણીમાં પક્ષે ટિકિટ ફાળવીને પસંદગી કરીછે તેથી ટેકેદારો ગેલમાં આવી ગયા છે. જિલ્લામાં ચૂંટણી રણ મેદાનમાં આપે પ્રારંભમાં જ ચાર ઉમેદવારો જાહેર કરી દીધા. ગતરોજ કોંગ્રેસ પણ ત્રણ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપ આગામી તા.૧૦ આસપાસ ઉમેદવારો જાહેર કરશે. તેથી જિલ્લામાં ત્રિપાંખીયા ચૂંટણી જંગની શરૂઆત થઈ ચુકી છે.