Western Times News

Gujarati News

કેનેડામાં વર્ક પરમિટ-વિઝાનું ગાજર બતાવી ૧.૫૭ કરોડની ઠગાઈ કરાઈ

અમદાવાદ, કેનેડાના વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોની એક મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. શહેરની સેશન્સ કોર્ટે હાલમાં જ આ ત્રણેયને જામીન આપવાનો ઈનકાર કર્યો છે.

હર્ષિલ પટેલ, સુનીલ શિંદે અને રાહુલ નાઈની જામીન અરજી કોર્ટે ફગાવી છે. પોલીસે આ ત્રણેય સામે છેતરપિંડી, વિશ્વાસઘાત, ફોર્જરી અને ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ કર્યો છે.

જામીન અરજીમાં આ ત્રણેયે પોતે નિર્દોષ હોવાની અને કોઈપણ ગુનો ના આચર્યો હોવાની રજૂઆત કરી હતી. સુનીલ શિંદેએ દાવો કર્યો છે કે, તે ડ્રાઈવર છે અને કથિત કેનેડા વિઝા ફ્રોડ કેસ સાથે તેને કોઈ લેવાદેવા નથી.

હર્ષિલ પટેલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેનો ઈરાદો કોઈની સાથે છેતરપિંડી કરવાનો કે કોઈની વિઝાની પ્રક્રિયા અટકાવી દેવાનો ઈરાદો નહોતો. પોલીસે તેને કસ્ટડીમાં રાખીને પાંચ દિવસ સુધી પૂછપરછ કરી હતી અને એક મહિનાથી વધુ સમયથી તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.

હર્ષિલ પટેલે અરજીમાં એમ પણ જણાવ્યું કે, કોરોના કાળ પછી વિઝાની પ્રક્રિયા જટિલ થઈ ગઈ છે. તેને ધંધામાં ખાસ્સું નુકસાન ગયું છે અને સમયસર પોતાના ક્લાયન્ટ્‌સની વિઝા પ્રક્રિયા પૂર્ણ નથી કરી શક્યો. આ તરફ ફરિયાદી પક્ષે રજૂઆત કરી કે, આરોપીઓએ તેમના ક્લાયન્ટ્‌સને બોગસ વિઝા આપ્યા છે. ઉપરાંત કેનેડામાં વર્ક પરમિટ, ત્યાંના વિઝા આપવાની લાલચ આપીને છેતરવામાં આવ્યા હતા.

સાથે જ ત્યાંની હોટેલમાં ભાગીદાર બનાવવાનું કહીને પણ ઠગાઈ કરાઈ હતી. આરોપીઓએ પીડિતો સાથે ૧.૫૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ફરિયાદી પક્ષે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુકુળમાં મારુતિ કોમ્પ્લેક્સમાં ઉડાન હોલીડેઝ નામની ઓફિસ ધરાવતા હર્ષિલ પટેલ, રાહુલ નાઈ અને સુનીલ શિંદેએ ભગવતીપ્રસાદ જાેષીના પુત્ર-પુત્રવધૂ અને તેમના ત્રણ સંબંધીઓને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે તેમજ કેનેડામાં હોટેલમાં ભાગીદારી કરાવવાના નામે ૪૦ લાખ રૂપિયા લીધા હતા.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓના સાગરીત હેમલ દવે ઉડાન હોલિડેઝમાં ભાગીદાર હતો તથા રાહુલ નાઈ ઈન્ટરનેશનલ સિમકાર્ડ વાપરીને પોતે મહેન્દ્ર કાંતિલાલ પટેલનું ખોટું નામ ધારણ કરીને ભોગ બનેલા લોકોની સાથે વાત કરીને કેનેડામાં પોતાની હોટેલમાં ભાગીદાર બનાવવાની ઓફર આપી પૈસા પડાવતો હતો. આ રીતે તેમણે ૧.૫૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.