અલ્પેશ ઠાકોરના વિરુદ્ધમાં ગાંધીનગરમાં બેનર લાગ્યા
ગાંધીનગર, રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે.
અલ્પેશ ઠાકોર વિરુદ્ધ લાગેલા બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ભાવીમુખ્યમંત્રીશ્રી અલ્પેશ ઠાકોર (આયાતી ઉમેદવાર), અમારી ૩૫ ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઇ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજાે.
ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. આપને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા હોવાની શક્યતા છે.
શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી અટકળો ચાલી રહી છે. પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર પણ ગણાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાલનપુરમાં થોડા દિવસ પહેલા એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. આ દરમિયાન ઓપનિંગમાં આવેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યુ છે.
આ સાથે તેમણે એવુ પણ જણાવ્યું હતુ કે, પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હું ચૂંટણી લડવાનો છું. આ સાથે તેમણે ભાજપની જીત માટે પણ બયાન આપ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપ ૧૫૦થી વધુ સીટો મેળવી જીત મેળવશે.SS1MS