દ્વારિકામાં AAPના ઇસુદાન ગઢવીની સામે ભાજપના પબુભા માણેક

ખંભાળીયામાં કોંગ્રેસના મજબૂત વિક્રમ માડમ સામે ટક્કર ટાળી હોવાના સંકેત : ભાજપે પણ ઇસુદાનને ભીડવવા ખંભાળીયાના ઉમેદવારનું નામ બાકી રાખ્યું છે
રાજકોટ, સૌરાષ્ટ્રમાં ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટાભાગની બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે અને આમ આદમી પાર્ટીએ પણ અગાઉ તેના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાં હવે ‘આપ’ના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરાયેલા ઇસુદાન ગઢવી હવે દ્વારિકાથી ચૂંટણીમાં ઝંપલાવશે તેવા સંકેત છે.
ઇસુદાને હજુ સુધી પોતાના મત વિસ્તારની જાહેરાત કરી નથી પરંતુ તેઓ દ્વારિકા જિલ્લાના વતની છે અને તેથી ખંભાળીયા અથવા દ્વારિકા બે બેઠકમાંથી એક બેઠકમાં તેઓ ઉમેદવારી કરે તેવી શક્યતા જણાતી હતી. જેમાં તેઓ હવે દ્વારિકા બેઠક કે જ્યાં ભાજપે પબુભા માણેકને ફરી ટીકીટ આપી છે તેમની સામે ટકરાશે.
ઇસુદાન ગઢવી હાલ આ જિલ્લાના જ પ્રવાસે છે અને તેઓ ખંભાળીયામાં અગ્રણીઓને મળી રહ્યા છે. એક તબક્કે તેઓ ખંભાળીયાથી ચૂંટણી લડશે તેવા સંકેત હતા પરંતુ અહીં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર વિક્રમ માડમ છે અને તેથી તેઓ દ્વારિકામાં ચૂંટણી લડવા જશે અને સોમવારે ઉમેદવારી નોંધાવશે. પબુભા માણેક 1990થી 1998 સુધી અપક્ષ ઉમેદવાર તરીકે, 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ચૂક્યા છે.
ગઇકાલે જ ભાજપે તેમને ફરી ટીકીટ આપી છે. 2017માં તેઓ ચૂંટાયા બાદ ટેકનિકલ કારણોસર તેમનું ધારાસભ્ય પદ રદ થયું હતં અને તેઓ હવે ફરી ભાજપમાંથી ટીકીટ મેળવી રહ્યા છે પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં 5 હજારથી આસપાસના મતે જીત્યા છે અને તેના કારણે આમ આદમી પાર્ટી માટે પબુભા સામેની ટક્કર વધુ સરળ હશે તેમ મનાય છે.