રાજકીય પક્ષો માટે વેબસાઈટ પર ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની માહિતી અપલોડ કરવાનું ફરજિયાત
કલંક્તિ ઈતિહાસ ધરાવતા ઉમેદવારોએ પ્રચારના સમયગાળા દરમિયાન ત્રણ વખત સંપૂર્ણ માહિતી પ્રસિદ્ધ કરવી પડશે
(એજન્સી) અમદાવાદ, ચૂંટણીના ઢોલ-નગારા વાગી રહ્યાં છે ત્યારે ગુજરાતના શાણા મતદારો પણ પોતાની પસંદગીના ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે મન બનાવી રહ્યા છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત હરીફ પક્ષની સાથે આમ આદમી પાર્ટી પણ જાેર અજમાઈશ કરી રહી છે,
જેના કારણે રાજય વિધાનસભાની ચૂંટણી ત્રિપક્ષીય થઈને ભારે રોમાંચક બનશે. આ રાજકીય ગરમાગરમીના માહોલમાં ગુનાઈત ઉમેદવારોએ ખાસ સાવધાન રહેવું પડશે, કેમ કે પહેલી વખત ચૂંટણી પંચ દ્વારા આવા ઉમેદવાોર સામે લાલ આંખ કરાઈ છે.
અત્યાર સુધી રાજકારણમાં મોટાભાગના રાજકીય પક્ષોએ જાે જીતા વો હી સિકંદર જેવી માનસિકતા અપનાવીને સ્વચ્છ પ્રતિભાશાળી ઉમેદવારોને બદલે જ્ઞાતિવાદ આધારિત મની પાવર અને મસલ પાવર ધરાવતા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
આમાં કેટલીક વખત ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પણ જે તે રાજકીય પક્ષની વિશેષ મહેરબાનીથી ચૂંટણી જંગમાં જીતી જતા આવ્યા છે. પરિણામે વિધાનસભા અને લોકસભામાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે.
ગુજરાતમાં વર્ષ ર૦૦૪થી ર૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન થયેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કુલ ૬૦૪૩ ઉમેદવાોરમાંથી ૯૭ર એટલે કે ૧૬ ટકા ગુનાઈત ઈતિહાસ ધરાવનારા મળી આવ્યા છે, જે પૈકી પ૧૧ એટલે કે આઠ ટકા સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. કુલ ૬૮પ સંસદસભ્ય અને ધારાસભ્ય પૈકી ૧૯૧ સંસદસભ્ય અને ધારાસભ્ય ગુનાઈત ઈતિહાસ ધરાવે છે, જયારે ચૂંટાયેલા ૧૦૯ પ્રતિનિધિ-ો સામે તો ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે.
હવે ચૂંટણીપંચ આકરા મૂડમાં છે. ચૂંટણીમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો સામે ચૂંટણીપંચે લાલ આંખ કરી છે, જેના કારણે ગુજરાત વિધાનસભામાં ઝંપલાવનારા ઉમેદવારોમાં અંદર ખાનેથી ભારે ફફડાટ ફેલાયો છે. આમ તો પહેલા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા આરંભાઈ ગઈ છે
અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી અપક્ષ ઉમેદવારે સૌથી પહેલા ઉમેદવારી પત્ર ભર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે તે બેઠક પરના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરવાની પ્રક્રિયા આરંભાઈ ગઈ છે, જાેકે હજુ સુધી બંને પક્ષમાંથી કોઈએ ઉમેદવારીપત્ર ભર્યું નથી.
તા.૧૪ નવેમ્બર સોમવાર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, પરંતુ હવે ગુનાઈત ઈતિહાસ ધરાવનાર ઉમેદવાર અને તેમના રાજકીય પક્ષોએ જે તે ગુના સંબંધિત પુરેપુરી વિગતો પ્રસિદ્ધ કરવાની રહેશે. આ તમામ માહિતી મતદારો માટે પોતાના ઉમેદવારને ઓળખ ઉપયોગી થઈ પડશે.
ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન ત્રણ વખત મતદારોને ઉમેદવારોની પુરેપુરીમાહિતી મળી શકે તે રીતે ગુનાઈત વિગતો જાહેર કરવાની રહેશે, જેમાં ગુનાનો પ્રકાર, આરોપ ઘડાયો છે કે નહી, સંબંધિત કોર્ટ કેસ નંબર વગેરે માહિતી આપવી પડશે. ફેસબુક, ટિ્વટર સહિતના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિગત મુકવાની રહેશે. રાજકીય પક્ષો માટે તેમની વેબસાઈટ પર ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની સંપૂર્ણ માહિતી અપલોડ કરવાનું ફરજિયાત બનાવાયું છે.