હોલિડે ક્રૂઝ પર ૮૦૦ યાત્રી કોરોના પોઝિટીવ આવતાં જહાજ ડૉક કરાયું
સિડની, દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે હવે ધીમે ધીમે દુનિયા પટરી પર આવી છે, ત્યાં ફરી કોરોનાના કેસ જાેવા મળી રહ્યાં છે.
એક હોલિડે ક્રુઝ પરના ૮૦૦ મુસાફરો કોરોના પોઝિટિવ થવાના અહેવાલ મળી રહ્યાં છે. આ માહિતી મળ્યા બાદ આ જહાજને ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડૉક કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, મેજેસ્ટીક પ્રિન્સેસ ક્રૂઝ શિપ ન્યુઝીલેન્ડથી રવાના થયુ હતુ અને સર્ક્યુલર ક્વે પર પહોંચેલા લગભગ ૪,૬૦૦ મુસાફરો અને ક્રૂ પર સવાર હતા, જેમાંથી દર પાંચમાંથી એક મુસાફરોને કોરોના હતો.
ક્રુઝ ઑપરેટર કાર્નિવલ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ માર્ગુરેટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે, ૧૨ દિવસની સફરના અધવચ્ચે આ કોરોનાના કેસ નોંધાવવાનું શરૂ થયુ હતુ.
મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા બાદ જહાજમાં હલચલ મચી ગઈ હતી, ત્યારબાદ જહાજને સિડનીમાં રોકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
માર્ગુરાઇટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે, ઘરે પહોંચવાની સાથે કોરોના પોઝીટિવ ટેસ્ટ થનારા લોકોને કવોરન્ટાઈન સમયગાળામાં અને ખાનગી પરિવહન માટે જરૂરી મદદ કર્મચારીઓ કરશે. આ ક્રૂઝ ટૂંક સમયમાં મેલબર્ન માટે રવાના થશે.
વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં આ જ કંપનીના રૂબી પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં ઓછામાં ઓછા ૯૦૦ લોકોને કોરોના થયો હતો,
જેમાં ૨૮ લોકોના મોત થયા હતા. હવે ફરી ૮૦૦ લોકોના કોરોના પોઝિટિવ આવતા અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે મેજેસ્ટિક પ્રિન્સેસ અને રૂબી પ્રિન્સેસ વચ્ચેની સરખામણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ફિટ્ઝગેરાલ્ડે કહ્યુંકે, ‘ત્યારથી, અમે એક સમુદાય તરીકે ઘણું શીખ્યા છીએ, કોવિડ વિશે ઘણું જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ન્યુ સાઉથ વેલ્સમાં શુક્રવારથી સાત દિવસમાં ૧૯,૮૦૦ નવા કેસ નોંધાયા છે.