ધોળકા વિધાનસભા મત વિસ્તારમાં ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
ગુજરાતભરમાં લોકશાહીના ઉત્સવ સમાન વિધાનસભાની ચૂંટણી આયોજિત થનાર છે. જે અન્વયે અમદાવાદ જિલ્લામાં ઉમેદવારો દ્વારા નિયમ અનુસાર જ ખર્ચ કરવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ધવલ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લા ટીમ સક્રિય છે.
ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા વિધાનસભા મતવિસ્તારમાં તાજેતરમાં ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક આયોજિત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ધોળકા વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ મતવિસ્તારની મુલાકાત પણ લીધી હતી. ખર્ચ નિરીક્ષક અધિકારીની (E.O.) અધ્યક્ષતામાં FST, SST, VST, VVT અને ACC. ટીમોનાં મેજિસ્ટ્રેટ સાથે સમીક્ષા બેઠક પ્રાંત કચેરી ધાળકા ખાતે યોજાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં ખર્ચ નિરીક્ષક (E.O.) દ્વારા ખર્ચ નિયંત્રણ અને દેખરેખ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપરોક્ત ટીમોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં, ખર્ચ નિરીક્ષક અધિકારી દ્વારા ઉપરોક્ત ટીમો માટે નક્કી કરેલા પોઇન્ટની મુલાકાત લઇ કામગીરી તથા કાર્યરીતીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણીખર્ચ સંબંધી ખર્ચ નિરીક્ષકનો સંપર્ક નંબર 91062 60866