અમદાવાદના જમાલપુરમાં પુનરાવર્તન કે પરિવર્તન
ત્રિપાંખીયા જંગ પર દેશભરના રાજકીય નિષ્ણાંતોની નજર
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદના ચાર ધારાસભ્યોને રીપીટ કર્યા છે. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસનો જમાલપુર, દરિયાપુર, દાણીલીમડા અને બાપુનગર બેઠક પર વિજય થયો હતો. ૨૦૨૨માં કોંગ્રેસે વધુ જાેખમના લેતા તમામ ચાર બેઠકો પર રીપીટ થીયરી અપનાવી છે.
કોંગ્રેસના કબજાની આ ચારેય બેઠકો પૈકી જમાલપુરનો જંગ રસપ્રદ બની રહેશે. જમાલપુરમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત મીમ અને આપ પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જેના કારણે ૨૦૧૨ની જેમ ૨૦૨૨માં પણ કાંટેકી ટક્કર જાેવા મળી શકે છે. દેશભરના રાજકારણીઓ અને રાજકીય નિષ્ણાંતોની નજર પણ આ બેઠકના પરિણઆમ પર રહેશે.
૨૦૧૨નાં નવા સીમાંકન બાદ જમાલપુર અને ખાડીયા બેઠકને ભેળવવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ જાેવા મળે છે.
તેમ છતાં ૨૦૧૨માં જમાલપુર બેઠક પર ભાજપના ભૂષણભટ્ટનો વિજય થયો હતો. જેના માટે કોંગી હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારની કરવામાં આવેલી ખોટી પસંદગી અને ત્રિ-પાંખિયો જંગ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સીટીંગ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની ટિકિટ કાપી તેમના સ્થાને સમીરખાનને ટિકિટ આપી હતી. જેના કારણે કાબલીવાલા એ અપક્ષ દાવેદારી કરી હતી.
આ ત્રિ-પાંખિયા જંગનો સીધો ફાયદો ભાજપને થયો હતો. ૨૦૧૨માં ભાજપના ભૂષણભટ્ટને ૪૮૦૫૮ (૩૮.૬૩%), કોંગ્રેસના સમીરખાનને ૪૧૭૨૭ (૩૩.૫૪%) તથા અપક્ષ સાબીર કાબલીવાલાને ૩૦૫૧૩ (૨૪.૫૨%) મત મળ્યા હતા. આમ, ભૂષણભટ્ટનો ૬૩૩૧ મતથી વિજય થયો હતો.
૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપાએ ભૂષણભટ્ટને રીપીટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ સીટીંગ કોર્પાેરેટર ઈમરાનભાઈ ખેડાવાલાને ટિકિટ આપી હતી. ૨૦૧૭ના વન ટુ વન જંગમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાને ૭૫૩૪૬ (૫૮.૨૪%) અને ભાજપના ભૂષણ ભટ્ટને ૪૬૦૦૭ (૩૫.૩૬%) મત મળ્યા હતા.
આમ, ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા ૨૯૩૩૯ મતની જંગી બહુમતીથી જીત્યા હતા. નોંધનીય બાબત એ છે કે વન ટુ વન જંગમાં પણ ભાજપના ઉમેદવારના વોટ શેરમાં ૩.૦૭ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.
૨૦૨૨ની ચૂંટણીમાં વધુ એક વખત જમાલપુરમાં ત્રિ-પાંખિયો જંગ થઈ રહ્યો છે. આ વખતે ૨૦૧૭ના બે તથા ૨૦૧૨ના અપક્ષ ઉમેદવાર સામ સામે લડી રહ્યા છે. ૨૦૧૨ની માસ્ક ૨૦૨૨માં સાબીર કાબલીવાલા ૨૫ હજાર જેટલા મત મેળવે તો જ પરીણામમાં ફેરફાર થવાની શક્યતા રહે છે.
મીમ પાર્ટીના ઉમેદવાર કાબલીવાલા અને કોંગી ઉમેદવાર ઈમરાન ખેડાવાલા અને છીપા સમાજનું પ્રતિનિધિ કરે છે. જમાલપુરમાં છીપા સમાજના અંદાજે ત્રીસ હજાર જેટલા મત છે. જે બે ઉમેદવારો વ ચ્ચે વહેંચાઈ શકે છે. ૨૦૧૨માં છીપા સમાજના એકમાત્ર ઉમેદવાર કાબલીવાલાને એકતરફી મત મળ્યા હતા
જે ૨૦૨૨માં મળી શકે તેમ નથી. તદ્પરાંત દાણીલીમડામાં સીલ થયેલા કારખાનાનો ઈસ્યુ પણ તેમને નડી શકે છે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા સીઈપીટી શરૂ થાય તો તેનો લાભ વાયા મીમ, ભાજપને મળી શકે છે જેના માટે ર૦ દિવસ અગાઉ શહેર મેયર, સાબીભાઈ તથા ભાજપના ધર્મેન્દ્રભાઈ શાહ વચ્ચે ખાસ બેઠક પણ થઈ હતી.
ભારતીય જનતા પાર્ટીએ ર૦૧૭ના પરાજિત ઉમેદવાર ભુષણભાઈને ફરીથી તક આપી છે તેવી જ રીતે કોંગ્રેસે પણ ર૦૧૭ના વિજેતા ઈમરાન ખેડાવાલાને રીપીટ કર્યા છે. જમાલપુરમાં અંદાજે ૧ લાખ ૩૦ હજાર જેટલા મુસ્લિમ મતદારો છે જે પૈકી છીપા સમાજના ૩૦ હજાર અને અન્ય સમાજના ૧ લાખ જેટલા મતદાર છે.
કોંગ્રેસનો મુખ્ય આધાર જમાલપુરના મુસ્લિમ મતદારો પર છે જયારે ભાજપનો આધાર ખાડીયાના હિંદુ મતદાર છે. ખાડીયામાં કોંગ્રેસને રપ૦૦થી ૩પ૦૦ વોટ મળી શકે છે પરંતુ કોંગ્રેસ પક્ષની જીત કાંબલીવાલા પર આધારીત છે મીમ ના ઉમેદવાર સાબીરભાઈને ૧પ હજારથી વધુ મત ન મળે તો જ કોંગ્રેસની જીત થાય તેમ માનવામાં આવે છે. અન્યથા પરિણામમાં ર૦૧રનું પુનરાવર્તન પણ થઈ શકે છે.