ચૂંટણીલક્ષી ચોપાનિયાં અને ભીંતપત્રો છાપવા કે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ લગાવાયો
(એજન્સી)ગાંધીનગર, આગામી વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ને અનુલક્ષીને ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વ્યક્તિ મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ અને સરનામાં વગરના ચૂંટણીલક્ષી ચોપાનિયાં, ભીંતપત્રો વગેરે છાપી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં.
આ અંગેનું જાહેરનામું નિવાસી અધિક કલેક્ટર ભરત જાેષી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કોઇપણ ચૂંટણીલક્ષી સામગ્રી છપાવતા પૂર્વે પ્રકાશકની ઓળખ અંગેની બે નકલ મુદ્રકને આપ્યા બાદ જ કોઈ પણ વ્યક્તિ ચૂંટણીલક્ષી ચોપાનિયાં, ભીંતપત્રો કે અન્ય સામગ્રી છાપી કે છપાવી શકશે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તારો માટે આગામી ૫ ડિસેમ્બરના મતદાન અને ૮ ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાનાર છે. ત્યારે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાની કડક અમલવારી તથા પાલન થાય તે અત્યંત જરૂરી હોઈ,
નિવાસી અધિક કલેક્ટર દ્વારા સમગ્ર જિલ્લાના મુદ્રકોને જાહેરનામાની જાેગવાઈઓ મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ચૂંટણીને લગતાં ચોપાનિયાં, ભીંતપત્રો કે અન્ય સામગ્રીનું છાપકામ કરતી વખતે મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામા અચૂક દર્શાવવા જણાવવામાં આવ્યું છે.