ચૂંટણી ટાણે ચા-ચવાણુ અને ભજીયાનું ચલણ વધ્યું
વિધાનસભાની ચૂંટણીનો જંગ જામતા છેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ઃ મતદારો અને કાર્યકરોને ખુશ કરવા તમામ પાર્ટીઓ એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે
ગાંધીનગર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો કેફ સૌને ચઢી રહ્યો છે. તમામ પક્ષના ઉમેદવારથી માંડીને કાર્યકરો અને ગ્રામ્યજનો ચૂંટણી જંગમાં જાેડાઈ ચુકયા છે.
છેક અંતરિયાળ ગામો સુધી રાજકીય ગતિવિધિઓ તેજ બનતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી રાત સુધી ધમધમતા રહે છે. ચા-નાસ્તાની બોલબાલા વધી છે. રાજકીય પક્ષોના કાર્યાલયો ખાતે તો જાણે રોજે રોજ પ્રસંગની ઉજવણી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ટીકીટ ફાળવણી મુદ્દે જાગેલો રોષ હવે ધીમે ધીમે સમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સિનિયર નેતાઓ ચુપચાપ પોતપોતાના કામે લાગી ગયા છે અથવા મુક પ્રેક્ષક બની ચુંટણી જંગને નીહાળી રહ્યા છે, હજુ ક્યાંક ક્યાંક અસંતોષની જ્વાળા વધુ દઝાડી રહી છે
પરંતુ એકાદ બે દિવસમાં આ જ્વાળાને પણ યેનકેન પ્રકારે શાંત પાડી દેવાશે તેવુ લાગી રહ્યું છે. મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર થઈ ગયા હોવાથી તમામ પક્ષના કાર્યકરોને ઘેર તો જાણે કોઈ પ્રસંગ કે ઉત્સવ હોય તેવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.
ખાટલા બેઠકોનો દોર શરૂ થઈ ચુકયો છે. ઉેમેદવારો પોતાના કાર્યકરો અને સમર્થકોને સાથે લઈને વિવિધ સમાજાેના અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે અને મહત્તમ વોટ મેળવવા પ્રયાસો કીર રહ્યા છે.
કાર્યકરો અને મતદારોને આકર્ષિત કરવા ઉમેદવારો લખલૂંટ ખર્ચ કરી રહ્યા છે. પક્ષના કાર્યાલયોએ દરરોજ વિવિધ નાસ્તાની જયાફત ઉડી રહી છે. ચા નો દોર તો લગભગ આખો દિવસ અને આખી રાત ચાલુ જ રહે છે જયારે ચૂંટણીમાં સૌથી વધુ ફેવરીટ રહેલા ચવાણાના આખેઆખા કાર્ટુન કાર્યાલય પર ઉતરી રહ્યા છે.
ચવાણુ બનાવવાવાળા અને વેચાણવાળાઓને ચુંટણીનો પ્રસંગે રીતસર તડાકો પડી રહ્યો છે. ભજીયાની બોલબાલા પણ આ વખતે ખૂબ રહી છે. સદ્વર હોય તેવા ઉમેદવારો તો દરરોજ પોતાના કાર્યાલયે ભજીયા-ગોટાની પાર્ટી યોજી રહ્યા છે. અન્ય ગરમ નાસ્તાઓની બોલબાલા પણ વધી છે. ચૂંટણી કોણ હારશે, કોણ જીતશે તે તો ૮મી ડીસેમ્બરે જ ખબર પડશે પરંતુ હાલ તો ચા-નાસ્તાની જયાફતથી સૌ કોઈ ખુશ થઈ રહ્યા છે.