Western Times News

Gujarati News

મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તેવા વૃધ્ધોના ઘરે જશે ચૂંટણી અધીકારીઓ

સુરતમાં ૪૪૭ શતાયુ મતદારોએ મતદાન કરવા ઉત્સાહ દેખાડ્યો

સુરત, ચૂંટણીમાં મતદાતા એટલે કે પ્રજા ખરેખર રાજા જેવો દબદબો ભોગવે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ જાેવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે.

તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થાનમાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક છે. આવા જ એક શતાયુ મતદાર છે, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચિનમાં રહેતા ગંગાબેન બાબરિયા ૧૦૪ વર્ષના ગંગાબેન ૧૬૮-ચોર્યાસી વિધાનસભા વિસ્તારના સૌથી વયોવૃદ્ધ મતદારોમાં સ્થાન ધરાવે છે. આ ચૂંટણીમાં તેઓ સપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવશે.

આગામી તા.૧લી ડિસેમ્બરે મતદાન માટે ઉત્સાહી ગંગાબેને જણાવ્યું હતું કે, ભારત આઝાદ થયો ત્યારબાદ પ્રથમ વખત ૧૯પરમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચૂંટણીપંચે ચલચિત્રના માધ્ય્મથી લોકોને મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતા.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે હું સાસરે હતી ત્યારે મે ૩૪ વર્ષની ઉંમરે પ્રથમવાર મતદાન કર્યું હતું. આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી લઈ અત્યાર સુધીની લગભગ તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે, એમ તેઓ ગર્વથી જણાવે છે.
આ ચૂંટણીમાં ૮૦ વર્ષથી ૧૦૦ વર્ષની વયના વરિષ્ઠ મતદારોનું મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.