હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનાં આશીર્વાદ લીધા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા તડજાડના ગણિત, વિવિધ સમિકરણો, ટિકિટ મળવા માટે ક્યાંક ઉત્સાહ તો ક્યાંક રીસામણા-મનામણા બાદ હવે આખરે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે.
ત્યારે સુરતની મજુરા બેઠક પરથી ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનાં આશીર્વાદ લીધા હતા. આ સાથે તેમણે વડાપાંવની લિજ્જત પણ માણી હતી.
સુરતમાં ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ વડાપાંવની લારી પરથી વડાપાંવ ખાધુ હતુ. આ સાથે તેમના કાર્યકર્તાઓએ પણ નાસ્તાની મઝા માણી હતી. આ સાથે હર્ષ સંઘવીએ સી.આર. પાટીલનાં આશીર્વાદ પણ લીધા હતા. હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, મજુરાનાં લોકોનો આભાર કે, ૨૭ વર્ષે મને સેવાનો મોકો આપ્યો. હું મજુરાનો દીકરો બનીને રહ્યો છું. પહેલા કોંગ્રેસે મને બાળક કહ્યો હતો પરંતુ તમે મારામાં વિશ્વાસ મુક્યો તે બદલ આભાર.
સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં કુલ ૧૬ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીની વાત કરીએ તો સુરત જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ૧૫ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.
સુરત જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. હવે જાવું રહ્યું કે, આપ આ ચૂંટણીમાં કેવી પ્રદર્શન કરે છે
નોંધનીય છે કે, ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જાકે, ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો.
ગુજરાતમાં ૧૯૮૫ પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી. કાંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.