Western Times News

Gujarati News

સુરતમાંથી ર.૧૭ કરોડના એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો

સુરત, મુંબઈથી સુરતમાં ઠલવાતા ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે સુરત પોલીસે કમર કસી છે. નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન અંતર્ગત અમરોલી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે કોસાડ આવાસમાં છાપો મારી ઈકો કારમાંથી ર કરોડથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી એક આરોપીને ઝડપી પાડયો છે.

હાલ શહેરમાં ચુંટણીને લઈ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે નો ડ્રગ્સ ઈન સિટી અભિયાનને પણ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમરોલી પોલીસે બાતમીના આધારે અમરોલી કોસાડ આવાસ એચ-ર બિલ્ડિંગ પાસે છાપો માર્યો હતો

અને ર.૧૭ કરોડની કિંમતના ર.૧૭૬ કિ.ગ્રા. એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઈકો કાર ઝડપી પાડી હતી. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મુબારક અબ્બાસ બાંદીયાને ઝડપી પાડયો હતો. પોલીસે ડ્રગ્સ સાથે કાર અને મોબાઈલ ફોન સહિત રૂ.ર.રર કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે મુબારકની પુછપરછ કરતા ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતે રહેતા શર્મા નામના વ્યક્તિએ તેને લાવીને આપ્યો હોવાની કબુલાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.