એક મહિનામાં વિવિધ ટ્રેનમાંથી લૂંટ ચોરીની પ૦થી વધુ ઘટનાઓ બની
રેલવે પોલીસ હજુ સુધી ગુનાના ભેદ ઉકેલવામાં નિષ્ફળ ,સ્નેચિંગ સામાનની ચોરી મોબાઈલ લુંટનો બનાવ સામાન્ય
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના કાલુપુર, મણીનગર અને બારેજડી રેલવે સ્ટેશન તેમજ અમદાવાદ રેલવે પોલીસની હદમાં ટ્રેનમાં લુંટ અને ચોરી કરતી અનેક ગેગનો આતંક સતત વધી રહયો છે. છેલ્લાં એક મહીના દરમ્યાન લુંટ અને ચોરીની પ૦થી વધુ ફરીયાદ રેલવે પોલીસમાં નોધવામાં આવી છે. તેમ છતાંય હજુ સુધી પોલીસને ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી નથી. જેના કારણે મુસાફરોમાં તેમાન કિમતી સામાન અને ચીજવસ્તુઓની સલામતીને લઈને ચિંતા જાેવા મળી છે.
માત્ર ટ્રેનની મુસાફરી સમયે સામાન પોતાની જવાબદારી પર સાચવવાની રેલવે પોલીસ માત્ર સુચના આપીને સંતોષ માની રહી છે. અમદાવાદના કાલુપુર મણીનગર રેલવે સ્ટેશન પ્રતીદીન હજારો મુસાફરો આવનજાવન કરે છે. જેથી તેમના સામાનની સલામતી મુખ્ય બાબત બની રહે છે. જાે કે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરોની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જેમાં બારેજડી પાસે જયારે ટ્રેન ઉભી રહે છે. ત્યારે પેસેન્જરના મોબાઈલ અને સોનાના દાગીનાની ચોરી કરતી ગેગ સક્રીય થઈ છે. આ ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશનની મણીનગર રેલવે સ્ટેશન વચ્ચે પણ મુસાફરોની ટાર્ગેટ કરતી ગેગ સક્રીય થઈ છે.
જેમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી જતી ટ્રેન મણીનગર રેલવે સ્ટેશન પર પહોચે તે દરમ્યાન સોનાના દાગીનાની લુંટ થવાની ફરીયાદો પણ વધી છે. તેમજ જયારે ટ્રેન ઉભી રહે ત્યારે પેસેન્જરની નીચે ઉતરે ત્યારે તેમના સામાનની ચોરી કરતી અને ભીડનો લાભ લઈને મોબાઈલ તેમજ પર્સની ચોરી કરતી ગેગ પણ સક્રીય છે. રેલવે સ્ટેશન પર સીસીટીવી નેટવર્ક હોવા છતાંય પોલીસ હજુ સુધી આ પ્રકારના ગુનાઓને કાબુમાં લેવામાં પોલીસને સફળતા મળી નથી.