સંજય રાઉતને નોટિસ,૧૮ નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું

(એજન્સી)મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતને ફરીથી નોટિસ મોકલી છે. રાઉતને ૧૮ નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં સંજય રાઉતને પત્રાચોલ કૌભાંડ કેસમાં જામીન મળી ગયા છે. તેને ૧૫,૦૦૦ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જામીન સાથે કેટલીક શરતો પણ સામેલ છે. આ શરતોમાં એક શરત એ પણ છે કે જ્યારે પણ તેમને તપાસ કે પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે તેમણે સંબંધિત તપાસ એજન્સીને સહકાર આપવો પડશે. ઈડ્ઢએ બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી પણ દાખલ કરી હતી.
બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સુધારેલી અરજીમાં ઈડીએ સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. એટલે કે સંજય રાઉતની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. ૧૦૦ દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપ્યા હતા. તે પછી પણ ઈડીએ તેને પડકાર ફેંકીને બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે જામીનના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે ઈડીને કહ્યું હતું કે મુંબઈ સેશન્સ કોર્ટને સુનાવણીમાં એક મહિનાથી વધુ સમય લાગ્યો હોય તેવા મામલામાં તે એક દિવસમાં ચુકાદો કેવી રીતે આપી શકે.
હવે ઈડીએ બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી દાખલ કરીને સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. આ અંગે ૨૫ નવેમ્બરે સુનાવણી થશે. ઈડીએ છેલ્લે જસ્ટિસ ભારતી ડાંગરેની ડિવિઝન બેંચ સમક્ષ અરજી દાખલ કરી હતી. કોર્ટે ઈડીની કેટલીક ભૂલો ગણાવી હતી અને તરત જ સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.
કોર્ટે સંજય રાઉતની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી અને સવાલ કર્યો હતો કે કેટલાક સાક્ષીઓના નિવેદનો રાકેશ વાધવાન અને સારંગ વાધવન મુખ્ય આરોપી હોવા તરફ ઈશારો કરે છે. પરંતુ ઈડીએ પોતાની સ્વતંત્ર મરજીથી પસંદ કરેલ રીતે રાઉતને મુખ્ય આરોપી બનાવ્યો. આ રીતે, કોર્ટે અન્ય કેટલીક ભૂલો તરફ ધ્યાન દોર્યું હતું. તે ભૂલોને સુધારીને ઈડીએ સુધારેલી અરજી દાખલ કરી છે. હવે તમામની નજર ૨૫ નવેમ્બરે થનારી સુનાવણી પર ટકેલી છે.