સીટ ન મળતાં તેઓ હતાશ છે કે નહીં તેનો જવાબ નિતીન પટેલે ટાળ્યો
મહેસાણામાં ભાજપના ઉમેદવારોને પ્રજાનું સમર્થનઃ નિતીન પટેલ
(એજન્સી)મહેસાણા, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે ખુબ મહેનત કરી રહી છે. તેવામાં ગુજરાતનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ રાજ્યમાં બીજેપીની જીતને લઇને નિશ્ચિત છે.
પટેલ આ વખતે ચૂંટણી લડી રહ્યાં નથી. તેમણે પાછલી ટર્મમાં મહેસાણા સીટથી કોંગ્રેસનાં ઉમેદવારને સાત હજારથી પણ વધુ વોટોનાં અંતરથી માત આપી હતી. આ વખતે તેમની સીટની ટિકીટ બીજેપીનાં મુકેશ પટેલને આપવામાં આવી છે.
મહેસાણામાં જીતની શક્યતાઓને લઇને જ્યારે નિતીનભાઇને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તે બોલ્યાં કે ‘અમે મહેસાણામાં જીતનાં ઝંડા લહેરાવશું’. તેમણે કહ્યું કે મહેસાણામાં બીજેપીનાં તમામ ઉમેદવારોને સમર્થન મળી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ‘તે તમામ ઉમેદવારોનાં સમર્થનમાં છે પછી તે નિતીન પટેલ હોય કે મુકેશ પટેલ. બીજેપીની જીત મહત્વની છે.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને સીટ ન મળતાં તેઓ હતાશ છે કે નહીં તેનો જવાબ તેમણે ટાળ્યો અને કહ્યું કે જેવી રીતે સુંદર બાળકોને નજરથી બચાવવા મા કાળો ટીકો કરે છે તેવી રીતે બીજેપીના નેતાઓ મારી વધી રહેલી લોકપ્રિયતાને જાેઇને મને કાળો ટીકો કરી રહ્યાં છે. પટેલે કહ્યું કે ‘સમય બળવાન હોય છે, મનુષ્ય બળવાન હોતો નથી. ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે મને પૂછ્યું કે મહેસાણાથી કોને-કોને ટિકીટ આપવી જાેઇએ.’