પંજાબ સરકારે પોતાના ૭ મહિનાના કાર્યકાળનો ડેટા જાહેર કર્યો
ચંદીગઢ, ચંદીગઢમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન સંબોધન કરતા માલવિંદર સિંહ કંગે સરકારના ૭ મહિનાનો ડેટા જાહેર કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે સરકારે ખેડૂતોને ઘણી સુવિધાઓ આપી છે. ખેડૂતોના હિત માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, શેરડીનો દર ૩૬૦થી વધારીને ૩૮૦ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યુ કે પંજાબ સરકાર દ્વારા શેરડી મિલોની બાકી રકમ પણ ક્લિયર કરી દેવામાં આવી છે. મગના પાક પર ૭૨૭૫ રૂપિયાની MSP આપવામાં આવી છે. ઓછા ભાવે ખરીદેલા મગનો ગેપ પણ ભરવામાં આવ્યો હતો. ખેડૂતોના ખાતામાં ૨૪.૮૩ કરોડ રૂપિયા જમા થયા છે. પંજાબ સરકારે પરાલીના ઉકેલ માટે ૧૭,૮૦૬ મશીનો ખરીદ્યા છે.
આ દરમિયાન તેમણે જણાવ્યુ કે પંજાબ સરકાર દ્વારા શહીદ ખેડૂતોના પરિવારજનોને વળતર અને નોકરી આપવામાં આવી છે અને પોલીસ ડ્યુટી દરમિયાન મૃત્યુ પામેલા જવાનો માટે ૧ કરોડ રૂપિયાની રકમની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ગુંડાઓ પર ગાળિયો કસવામાં આવ્યો છે. ખેતી માટે મફત વીજળી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એટલુ જ નહિ યુવાનોને નોકરીઓ આપવામાં આવી રહી છે. પંજાબ સરકાર ભ્રષ્ટાચાર સામે પણ ઝીરો ટોલરન્સ નીતિ લાવી છે.HS1MS