ફેક વેબ સાઇટ બનાવી લાખોની છેતરપિંડી કરાઈ
અમદાવાદ, અમદાવાદ સાઇબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે, છેલ્લા દોઢ બે મહિનાથી કોઈ અજાણ્યા ઈસમો સોમનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ત્રણ યાત્રિક અતિથી ગૃહ જેમાં લીલાવતી અતિથિગૃહ, શ્રી મહેશ્વરી અતિથિગૃહ અને શ્રી સાગર દર્શન અતિથિ ગૃહ નામની ફેક વેબસાઈટો બનાવી હતી. કોઈ યાત્રિક રૂમ બુકિંગ માટે ઓનલાઈન સર્ચ કરી રૂમ બુકિંગ કરે તો અતિથિગૃહમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને પેમેન્ટ ગેટવે મારફતે જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નાણા મેળવીને છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી દિલ્હીના વિનય પ્રજાપતિ અને અમર પ્રજાપતિ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓએ ૨૦૩ જેટલા યાત્રિકો પાસેથી રૂપિયા ૨૪ લાખ ૯૬ હજાર પડાવી લીધા હોવાનું પોલીસે તપાસ દરમિયાન સામે આવ્યું છે. આરોપી વિનયે બી.કોમના બીજા સેમેસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા દોઢેક વર્ષથી અભ્યાસની સાથે સાથે દિલ્હી ખાતે વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામની કંપનીમાં વેબસાઈટ ડેવલોપર તરીકેનું કામ કરતો હતો.
જાેકે છેલ્લા એક મહિનાથી ઓફિસ બંધ કરી દીધી હોવાથી આરોપીઓએ વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામની કંપનીને પોતાના નામે રજીસ્ટર કરાવી લીધી હતી. વિનયે આરોપી અમર પ્રજાપતિ સાથે મળીને સોમનાથ ટ્રસ્ટના લીલાવતી અતિથિ ગૃહોના નામની ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકિંગ માટે પેમેન્ટ ગેટવે મારફતે નાણાં મેળવીને યાત્રિકો સાથે છેતરપિંડી કરતા હતો. જેથી તેમના વિરૂદ્ધ પોલીસને ફરિયાદ મળી હતી. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.