રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો નિરીક્ષકો સામે આક્ષેપ

જામકંડોરણાના તાલુકા પ્રમુખે આપ્યું રાજીનામું-થોડા દિવસ પહેલા જેતપુર તાલુકા પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું-સુરેન્દ્રસિંહ અને કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાઈ શકે છે.
(એજન્સી)જામકંડોરણા, કોંગ્રેસમાં ભંગાણ પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો જે હજું સુધી અટક્યો નથી. જામકંડોરણા તાલુકાના કાૅંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રસિંહ વાળાએ કાૅંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
રાજીનામું આપ્યા બાદ સુરેન્દ્રસિંહે કાૅંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે. તેમ છતાં અત્યાર સુધી ઉમેદવારે જામકંડોરણાની મુલાકાત નથી લીધી જેને લઈને કાર્યકર્તાઓમાં પણ ખુબજ રોષ જાેવા મળ્યો હતો.
અહીં નોંધનીય વાત એ છે કે, ૭૪ જેતપુર જામકંડોરણા વિધાનસભા બેઠક વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા જેતપુર તાલુકા પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું. આશંકા વ્યક્ત કવરામાં આવી રહી છે કે, સુરેન્દ્રસિંહ અને કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં તોડજાેડનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા ૨૦૦૦થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા મિતેષ ગરાસિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા સ્થાનિક કાર્યકરોમાં રોષ જાેવા મળ્યો છે.
તેમજ રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો નિરીક્ષકો સામે આક્ષેપ કર્યો છે. તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨ ટર્મથી ઝાલોદ વિધાનસભા કોંગ્રેસના કબ્જામાં છે. આ ઉપરાંત, ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઇ ત્યારથી કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે અને તે અગાઉ પણ કોંગ્રેસમાં બેઠક અને ઉમેદવાર બાબતે અસંતોષ બહાર આવતો રહ્યો છે.