રાહુલ ગાંધીનો પીએ બનીને લાખો રુપિયા પડાવ્યા
વડોદરા, માત્ર ચોથું પાસ એક ઠગે સામાન્ય માણસો નહીં, મોટા નેતાઓને પોતાના શિકાર બનાવ્યા અને તેમની પાસેથી લાખો રુપિયા પડાવ્યા. છેતરપિંડી કરનાર આ વ્યક્તિ પોતાની જ જાળમાં ફસાયો અને આખરે તેની ધરપકડ કરવામાં આવી છે.
મૂળ પંજાબનો રહેવાતી રજત કુમાર મદાન પાછલા થોડા વર્ષોમાં દેશના અનેક રાજનેતાઓને છેતરી ચૂક્યો છે. તમામ નેતાઓને લૂંટવા માટે તે એક જ પદ્ધતિનો ઉપયોગ કરતો હતો. રવિવારના રોજ સાઈબર ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
રજત કુમાર મદાનની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. અહીં તે પોતાના સાથીદાર ગૌરવ શર્મા સાથે મળીને એક રેકેટનું સંચાલન કરતો હતો. પોલીસનું કહેવું છે કે આ બન્ને આરોપીઓએ એક જ પાર્ટીના અનેક નેતાઓ પાસેથી પૈસા પડાવ્યા છે. તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પર્સનલ આસિસ્ટન્ટ બનીને નેતાઓને મળતા હતા.
સાયબરક્રાઈમના ACP હાર્દિક માકડિયા જણાવે છે કે, તેઓ પાછલા ઘણાં વર્ષોથી આ કરી રહ્યા છે. જ્યારે પણ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થાય ત્યારે આ ગેન્ગ સક્રિય બની જાય છે અને ઉમેદવારો તેમજ વર્તમાન ધારાસભ્યોની જાણકારી એકઠી કરવા લાગે છે.
ત્યારપછી જે નેતાઓ ટિકિટ મેળવવા માંગતા હોય તેમને શોધીને તેમનો સંપર્ક કરે છે. હાર્દિક માકડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી તો રજત કુમાર સક્રિય થઈ ગયો. તે રાહુલ ગાંધીને પીએ બનીને ઉમેદવારો સાથે વાત કરતો હતો. તે સૌથી પહેલા તો ટિકિટ મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો સાથે રાજકારણની ચર્ચા કરતો હતો.
ત્યારપછી ટિકિટ માટે પૈસાની માંગ કરતો હતો. આ દરમિયાન બે નેતાઓને શંકા થઈ અને તેમણે વડોદરા શહેરના સાયબર ક્રાઈમ વિભાગમાં થોડા દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને ઠગોએ પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવડ તેમજ કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો પણ સંપર્ક કર્યો હતો. તેમને કરવામાં આવેલા ઈન્ટરનેટ કોલના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.
કોલ ડીટેલ્સની મદદથી પોલીસ પંજાબ સુધી પહોંચી હતી અને રજત કુમારને ટ્રેક કર્યો હતો. પોલીસ જણાવે છે કે, આ જ પ્રકારના ગુના બદલ તે જેલની સજા કાપીને તાજેતરમાં જ બહાર નીકળ્યો હતો. તેણે અમને જણાવ્યું કે તેણે દેશના અલગ અલગ રાજ્યોમાં નેતાઓને છેતર્યા છે.
બિહાર અને પંજાબમાં પણ તેમણે આ જ કામ કર્યુ હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એકવાર અમે ગૌરવ શર્માની ધરપકડ કરીશું તો અમને જાણવા મળશે કે આ લોકો પાસે નેતાઓની આટલી બધી જાણકારી ક્યાંથી આવતી હતી. તેમની ટોળકીમાં કોઈ એવો સભ્ય હશે કે રાજકીય પક્ષો સાથે નજીકનો સંબંધ ધરાવતો હશે. લોકલ કોર્ટે રજત કુમાર મદાનની ૩ દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો છે.SS1MS