જમવાનું બનાવવા બાબતે પુત્રએ પિતાને લોહીલુહાણ કર્યા
અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારી લોહીલુહાણ કર્યા હતા, ત્યાર બાદ માતા વચ્ચે પડતા તેને પણ ફટકારી હતી. જેથી પિતાને લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડવા પડ્યા હતા.
આ મામલે પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં નરેન્દ્રકુમાર કેશવલાલ સથવારા પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
૧૯મીના રોજ ૧૧ વાગ્યે નરેન્દ્રભાઇ પોતાના ઘરે હાજર હતો, ત્યારે રાત્રે ૯ વાગ્યે દિકરા ધ્રુવનેશનો ફોન આવ્યો હતો અને જમવાનું બન્યું છે કે નહીં, તેમ પૂછી ફોન કાપી દીધો હતો. અડધા કલાક પછી ધ્રુવનેશ ઘરે આવ્યો હતો અને જમવાનું બન્યું છે કે નહીં, તે અંગે પિતાને પૂછવા લાગ્યો હતો. જેથી નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, તારો હમણાં જ ફોન આવ્યો હતો અને જમવાનું બનતા થોડી વાર લાગશે.
આટલું કહેતા દિકરો ઉશ્કેરાઇ ગયો હતો અને પિતાને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી પિતાએ ધ્રુવનેશને ઝઘડો નહીં કરવા અને શાંતિથી વાત કરવા જણાવ્યું હતું. પરંતુ દિકરો ગુસ્સે થઇ ગયો હતો અને ઘરની બહાર જઇ એક પથ્થર લઇ આવ્યો હતો અને માથામાં મારી દીધો હતો. જેથી કપાડમાં લોહી નિકળવા લાગ્યું હતું. આમ છતાં પુત્ર પિતાને મારવાની ધમકી આપી રહ્યો હતો.
જેથી પિતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો અને પત્ની આવી ગયા હતા. માતાએ પુત્રને સમજાવતા તેને પણ પુત્રએ માર માર્યો હતો. આ દરમિયાન લોકોએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા, ત્યારે પુત્ર ત્યાંથી પલાયન થઇ ગયો હતો.
બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં નરેન્દ્રકુમારને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યાં નરેન્દ્રકુમારે દિકરા ધ્રુવનેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.SS1MS