કેન્દ્ર સરકારનું ફૂડ સબસિડી બીલ રૂ. ત્રણ લાખ કરોડને પાર થવાનો અંદાજ
નવીદિલ્હી, કેન્દ્ર સરકારનું ફૂડ સબસિડી બિલ ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ લાખ કરોડ રૃપિયાને પાર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં ફૂડ સબસિડી બિલની રકમનો લક્ષ્યાંક બે લાખ કરોડ રૃપિયા રાખવામાં આવ્યો હતો. જાે ચાલુ નાણાકીય વર્ષમાં ફૂડ સબસિડી બિલ ત્રણ લાખ કરોડ રૃપિયાને પાર થઇ જશે તો તે નિર્ધારિત લક્ષ્યાંકથી ૫૦ ટકા વધુ હશે.
મફતમાં અનાજ આપવાની સ્કીમ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) ડિસેમ્બર સુધી લંબાવવામાં આવતા ફૂડ સબસિડી બિલની રકમમાં વધારો થયો છે. ફૂડ સબસિડીની આ રકમ અત્યાર સુધીની બીજી સૌથી મોટી રકમ છે. ઉલ્લેખનીય છે કે પીએમજીકેએવાય હેઠળ ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવે છે.
આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ફૂડ બિલ પાછળ ૫.૨ લાખ કરોડ રૃપિયા ખર્ચવામાં આવ્યા હતાં. જાે કે તેમાંથી ૩.૪ લાખ કરોડ રૃપિયા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડમાંથી લીધેલી લોનના સેટલમેન્ટ માટે લેવામાં આવ્યા હતાં. જેના કારણે સરકાર હસ્તકની એફસીઆઇના વ્યાજના બોજામાં ઘટાડો થયો હતો.
કેન્દ્ર સરકારે પીએમજીકેએવાયની મુદ્દત સાતમી વખત વધારી ડિસેમ્બર સુધી કરી છે. ઉલ્લેખનીય છે કે પીએમજીકેએવાય હેઠળ સરકાર દરેક લાભાર્થીને દર મહિને પાંચ કીલો મફત અનાજ આપે છે. આ સ્કીમની શરૃઆત એપ્રિલ, ૨૦૨૦માં કરવામાં આવી હતી.
ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્કીમના સાત તબક્કામાં અત્યાર સુધીમાં કુલ ૩.૯ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.SS1MS