રોડ પર શાકભાજીની જેમ કફ સિરપની બોટલો વેચતી યુવતીને એસઓજીએ ઝડપી લીધી
યુવતી તેના ઘર પાસે કફ સિરપની બોટલો નશેડીઓને વેચતી હતીઃ યુવતીના દિયરે તેને નશાની ચીજવસ્તુઓ વેચવાની ટ્રેનિંગ આપી
અમદાવાદ, શહેરમાં ફરી એક વાર નશા માટે ડ્રગ્સના વિકલ્પ તરીકે કફ સિરપનો ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે. દારૂ તેમજ ડ્રગ્સના વેચાણ પર પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓની ધોંસ વધતાં હવે નશેડીઓ સસ્તા નથા તરફ વળ્યા છે. શહેરમાં કફ સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેનો પર્દાફાશ અનેક વખત થયો હોય છે ત્યારે ગઈ કાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) એ એક યુવતીને કફ સિરપના જથ્થા સાથે ઝડપી લીધી હતી. શાકભાજી તેમજ ફળફળાદી જેવી રીતે વેચાતાં હોય તેવી રીતે આ યુવતી જાહેરમાં કફ સિરપનું બોક્સ લઈને બેઠી હતી અને નશેડીઓને ડબલ ભાવે વેચીને રૂપિયા કમાતી હતી. યુવતીના દિયરે નશાની ચીજવસ્તુઓ વેચવાની ટ્રેનિંગ આપી હતી.
એસઓજીને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં આવેલા અબ્બાસ ટેનામેન્ટમાં રહેતી નાઝિયા રઈસ હુસેન શેખ કફ સિરપનો જથ્થો વેચી રહી છે. બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ૨૨ વર્ષીય નાઝિયા શેખ પોતાના હાથમાં એક બોક્સ લઈને ઘર બહાર આવી હતી અને રોડ પર બેસી ગઈ હતી. બોક્સમાં કફ સિરપનો જથ્થો હોવાનું માની લઈને એસઓજીની ટીમે તેને કોર્ડન કરી લીધી હતી.
એસઓજીની ટીમે બોક્સ ખોલીને ચેક કરતાં તેમ કફ સિરપનો જથ્થો હતો. પોલીસ નાઝિયાની અટકાયત કરીને એસઓજી કચેરીએ લાવી હતી, જ્યાં તેની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. દરમિયાનમાં એફએસએલની ટીમ પણ એસઓજી કચેરીએ પહોંચી ગઈ હતી, જ્યાં કફ સિરપનાં સેમ્પલ લીધાં હતાં. નાઝિયાની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેના દિયર મોસિનખાન શેખે કફ સિરપનો જથ્થો વેચવા માટે આપ્યો હતો.
મોસિનખાનને બહેરામપુરા વિસ્તારમાં રહેતા લાલા નામના યુવકે આ જથ્થો આપ્યો હતો. નાઝિયા શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે કોઈના ડર વગર કફ સિરપનો જથ્થો વેચી રહી હતી. એસઓજીને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને નાઝિયાની ધરપકડ કરી લીધી હતી.