અમદાવાદના પશ્ચિમ ઝોનમાં બંધ સ્ટ્રીટ લાઈટની સમસ્યાથી પણ લોકો પરેશાન
શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં પાણીના કકળાટથી પરેશાની
અમદાવાદ, મ્યુનિસિપલ તંત્રને હંમેશા પ્રોપર્ટી ટેક્સમાંથી સૌથી વધુ આવક દક્ષિણ ઝોનમાંથી થાય છે. શહેરના સુખી અને સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં પાલડી, વાસણાથી રાણીપ, ચાંદખેડા સહિતના કુલ નવ વોર્ડનો સમાવેશ થાય છે. આ ઝોનમાં શિક્ષણનું પ્રમાણ વધુ હોઈ લોકો પ્રાથમિક સુખાકારીના કામો બાબતે અન્ય ઝોનના નાગરિકો કરતાં વધારે જાગૃત છે.
આ જાગૃતિના પરિણામે પશ્ચિમ ઝોનમાંથી પાણીના કકળાટને લઈ સૌથી વધુ બૂમો ઊઠી છે. તંત્ર પણ લોકોની આ સમસ્યાનો દૂર કરવા માટે હરકતમાં આવ્યું છે.
સામાન્ય રીતે કોટ વિસ્તારનો સમાવેશ ધરાવતા મધ્ય ઝોનમાં વર્ષોજૂની પાણી અને ગટરની લાઈનોના કારણે છાશવારે દૂષિત પાણી અને ગટરના પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરમાં મધ્ય ઝોનના દૂધેશ્વર વોટર વર્કર્સ પાસે પાણીના લીકેજની સમસ્યા સર્જાતા ઈજનેર વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
મધ્ય ઝોનમાં ખાસ કરીને ગટર લાઈનને અપગ્રેડ કરવા માટે તંત્ર ગંભીર બન્યું છે. ઉચ્ચ સ્તરેથી ગટર લાઈનના અપગ્રેડેશન માટે ખાસ પ્લાનિંગ કરવાનો આદેશ સંબંધિત અધિકારીઓને અપાઈ ગયો છે.
જાેકે પશ્ચિમ ઝોનમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની અને દૂષિત પાણી જેવી પીવાના પાણીને લગતી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઊઠતાં મ્યુનિ. તંત્ર પણ ચોકી ઊઠ્યું છે. સત્તાવાળાઓ દ્વારા પ્રાથમિક સુખાકારીના કામોને લગતી ફરિયાદો માટે ખાસ ઓનલાઈન સીસીઆરએસ સિસ્ટમ કાર્યરત છે.
સીસીઆરએસ એટલે કે કોમ્પ્રિહેન્સિવ કમ્પ્લેન રિડ્રેસલ સિસ્ટમ છે, જેમાં નાગરિક ૨૪ કલાક કાર્યરત ફોન નંબરઃ ૧૫૫૩૦૩ મારફતે પોતાની ફરિયાદ લખાવી શકે છે. ઈ-મેઈલ મારફતે પણ ફરિયાદ રજિસ્ટર થઈ શકે છે. આઈવીઆર અને એસએમએસથી પણ ફરિયાદનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
મ્યુનિસિપલ તંત્રની સીસીઆરએસ સિસ્ટમની ધાંધલીની અવારનવાર ગંભીર ફરિયાદો ઊઠતી રહી છે. તાજેતરમાં ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સીસીઆરએસની ચકાસણી દરમિયાન તે ૧૦ મિનિટ સુધી શરૂ ન થતાં સંબધિત અધિકારીઓ પર રોષે ભરાયા હતા. લોકો પણ જે તે ફરિયાદનું સમાધાન ન મળે તો પણ તેને બંધ કરાતી હોઈ આ સિસ્ટમથી નારાજ છે.
બીજી તરફ સીસીઆરએસ સિસ્ટમનો સૌથી વધુ લાભ પશ્ચિમ ઝોનના નાગરિકો તેમની જાગૃતિના કારણે લઈ રહ્યા છે, તેમાં પણ પાણીને લગતી ફરિયાદોનો ઢગલો સીસીઆરએસમાં થયો હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને ગમતળ વિસ્તારોમાંથી પીવાના પાણીને લગતી ફરિયાદો સીસીઆરએસમાં વધુ પ્રમાણમાં નોંધાઈ છે. તંત્ર દ્વારા જે તે ફરિયાદનો વોર્ડ સ્તરે નિકાલ લાવવા માટે ઈજનેર વિભાગના સ્ટાફને જરૂરી સૂચના અપાઈ છે.
પશ્ચિમ ઝોનમાંથી રખડતાં ઢોર, રખડતાં કૂતરાંની પણ ફરિયાદો તંત્રને મળી છે, જાેકે પીવાના પાણીની ફરિયાદો વધુ હોઈ તેનો નિકાલ સત્વરે કરવા આ ઝોનના ઈજનેર વિભાગના વડાને ઉચ્ચ સ્તરેથી આદેશ અપાઈ ચૂક્યો છે.
પીવાના પાણી ઉપરાંત પશ્ચિમ ઝોનમાં લોકો બંધ સ્ટ્રીટ લાઈનની સમસ્યાથી પણ પરેશાન થયા છે. સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને પણ ફરિયાદોનું પ્રમાણ વધુ જણાયું છે. મ્યુનિ. લાઈટ વિભાગના વડાને પણ પશ્ચિમ ઝોનમાં સ્ટ્રીટ લાઈટ વધુ પ્રમાણમાં બંધ જણાઈ હોઈ તે સેન્સર્સ મુજબ ચાલુ-બંધ થાય છે કે તે ચેક કરવા માટેની કડક સૂચના અપાઈ છે.