Western Times News

Gujarati News

મતદાન કરનાર પ્રત્યેક નાગરિકને નિઃશુલ્ક ‘કાવો’ પીવડાવીને પ્રોત્સાહિત કરશે આ કાકા

ગાંધીનગરના મહેન્દ્રકાકાનું અનોખું અભિયાન

(પ્રતિનિધિ) ગાંધીનગર, વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારત દેશમાં ચૂંટણી એ લોકશાહીના મહાપર્વ સમાન છે. વધુમાં વધુ નાગરિકો આ પર્વમાં સહભાગી થઈને વધુમાંવધુ સંખ્યામાં મતદાન કરી, લોકશાહીને વધુ મજબૂત બનાવે તેવા પ્રયાસો ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના મહેન્દ્રકાકાએ પણ મતદાન જાગૃતિ માટે અનોખું અભિયાન હાથ ધર્યું છે.

ગાંધીનગરમાં સોડા શોપ ચલાવતા મહેન્દ્રકાકા મતદાન કરનાર દરેક નાગરિકને નિઃશુલ્ક કાવો પીવડાવીને આ મહાપર્વમાં નાનું પણ નોંધપાત્ર યોગદાન આપશે. આ અંગે વાત કરતાં મૂળ વિરમગામના વતની અને છેલ્લાં ૧૨ વર્ષથી ગાંધીનગરમાં સ્થાયી થયેલા ૬૨ વર્ષીય મહેન્દ્રભાઈ જયસ્વાલ જણાવે છે કે

‘હું પોતે અચૂક મતદાન કરું છુ અને મારા પરિવારના સભ્યો પણ પોતાની આ ફરજ નિભાવે તેના માટે તેમને પ્રોત્સાહિત કરું છું. આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને આપણે તેને વધુ ને વધુ મજબૂત કરવા માટે મતદાન કરવું અત્યંત જરૂરી છે.

બંધારણે આપણને હકો આપ્યા છે, તેની સાથે આપણી પણ કેટલીક ફરજાે તેના પ્રત્યે છે. જે રીતે મતાધિકાર એ આપણો અબાધિત હક છે, તે જ રીતે મતદાન કરવું એ આપણી પણ પવિત્ર ફરજનો એક ભાગ જ છે. આથી પ્રત્યેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જાેઈએ.

મહેન્દ્રકાકાના હુલામણા નામે જાણીતા મહેન્દ્રભાઈ ગાંધીનગરના ઘ-૨ વિસ્તારમાં સોડા શોપ અનેકાવાનો વ્યવસાય કરે છે. તેમણે ગાંધીનગર મામલતદારને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાષ્ટ્રહિતમાં મતદાન કરનાર પ્રત્યેક જાગૃત મતદારને તેઓ વિનામૂલ્યે કાવો પીવડાવીને મતદાર જાગૃત્તિ અભિયાનમાં સહભાગી થવાની તૈયારી દર્શાવી છે.

આ અંગે મહેન્દ્રકાકા જણાવે છે કે જે લોકો ૫ ડિસેમ્બરે મતદાન કરી પોતાની ફરજ પૂરી કરશે તેવા દરેક જાગૃત નાગરિકને તેમના તરફથી મતદાનના દિવસે સવારે ૭ઃ૩૦થી રાત્રે ૧૧ઃ૦૦ કલાક સુધી ઘ-૨ સર્કલ ખાતેના તેમના ગલ્લા પરથી નિઃશુલ્ક કાવાનું વિતરણ કરવામાં આવશે.

હાથ પર મતદાનનું નિશાન બતાવીને કોઈ પણ નાગરિક આનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રભાઈએ માત્ર ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આમ છતાં, તેઓ પોતાના મતાધિકાર અને મતદાનની ફરજ પ્રત્યે જાગૃત છે. એટલું જ નહીં, અન્ય નાગરિકોને પણ જાગૃત કરીને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે. ત્યારે તેમનું આ સ્તુત્ય પગલું અન્ય અનેક નાગરિકો માટે પ્રેરણાદાયી અને અનુકરણીય બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.