ભરૂચ પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું
ભરૂચ, ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરસ ખાતે વિશેષ સુવિધા ઉભી કરી ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
ત્યારે ભરૂચમાં પોલીસ હેડક્વાર્ટરસ ખાતેના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લાની બેઠકો માટે મતદાન યોજાતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.જેમાં ૫૯૪ પોલીસકર્મીઓ અને ૭૬ હોમગાર્ડના જવાનો જાેડાતા કુલ ૬૭૦ મતો નોંધાયા હતા જે પૈકી ૫૩૭ લોકોએ મતદાન કર્યું હતું.
ભરૂચના ત્રણ સેન્ટર પર પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી હતી.જેમાં ભરૂચ ડીવીઝન માટે પોલીસ હેડકવાટર્સ,અંકલેશ્વર માટે શારદા ભવન ટાઉન હોલ અને જંબુસર માટે એસડીએમ કચેરી જંબુસરનો સમાવેશ થાય છે.જ્યાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ મતદાન કરશે.