પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા માટે ૯૯૦૮ પોસ્ટલ બેલેટ મતદાન થયું-ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલ સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત પોલીસ જવાનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણીની ફરજમાં ફરજરત પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેનો ઉપયોગ કરીને આજે ૯૯૦૮ અધિકારી-કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત આજે ૨૬ નવેમ્બરના રોજ પોલીસ જવાનો માટે વોટીંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી.જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગ માટે
અલાયદા ૦૫ સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે ૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તદ્ અનુસાર પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, કૃષ્ણનગર એસ.આર.પી. ગ્રાઉન્ડ, મકરબા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ધોળકા, ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૨૧ વિધાનસભા વિસ્તાર માટે અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.
પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો માં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.