મ્યુનિ.સ્કૂલ બોર્ડના ૪,૫૦૦ શિક્ષકો-કર્મચારીઓ મતદાન જાગૃતિ માટે મેરેથોન દોડશે
રવિવારે સવારના ૭.૩૦ વાગ્યે આશ્રમ રોડ પરના વલ્લભ સદનથી રિવરફ્રન્ટ રોડથી રિવરફ્રન્ટ પાર્ક થઇને ઈન્કમટેક્સ ચાર રસ્તાથી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા થઇ તે વલ્લભ સદન પરત ફરશે.
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન તા.૧ ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન તા.૫ ડિસેમ્બરે થશે. અમદાવાદ શહેર અને જિલ્લાની ૨૧ બેઠકોના મતદાન માટે તા.૫ ડિસેમ્બર નિર્ધારિત કરાઈ છે. દરમિયાન શહેરના મતદારોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રવિવારે મેગા મેરેથોન દોડનું આયોજન કરાયું છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન વધુ ને વધુ મતદાન થાય તેમજ સમાજના દરેક વર્ગ તેમના હકનો અચૂક રીતે યોગ્ય ઉપયોગ કરે અને નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે મેગા મેરેથોન દોડનું આયોજન શહેરની જિલ્લા શિક્ષણાધિકારીની ક્ચેરીના નેજા હેઠળ કરાયું છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.ધવલ પટેલ આ મેગા મેરેથોન દોડમાં હાજર રહેશે. મેગા મેરેથોન દેડમાં અંદાજે દસ હજાર દોડવીર ભાગ લેશે. દરમિયાન આ મતદાન જાગૃતિ મેગા મેરેથોન દોડમાં જાેડાવા ઈચ્છુક નાગરિકો માટે તંત્ર દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.
દરમિયાન મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ કહે છે કે આ મેગા મેરેથોન દોડમાં સ્કૂલબોર્ડના ૪૫૦૦ શિક્ષકો અને કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા થાય તે આશયથી મતદાન કેન્દ્રો પર પોલીસ સહિતના સ્ટાફને તહેનાત કરવામાં આવે છે.
ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યકર તમામ સ્ટાફ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ટપાલ મતપત્રથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે, જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે ૧૨-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવો સ્ટાફ નિયત કરેલાં સ્થળોએ મતદાન કરી શકશે.