ભારતીય સેના સામે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ અપાતી હતી : મુશર્રફ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આતંકીઓને શરણ આપવાનું સ્વીકાર્યું છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં મુશર્રફે પ્રતિક્રિયા આપી છે કે, કાશ્મીરીઓને પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ આપવામાં આવતી હતી. પાકિસ્તાન ઓસામા બિન લાદેન અને જલાલુદ્દીન હક્કાને હીરો માનતા હતા.આ સાથે જ તેમણે જણાવ્યુ કે, ઈન્ડિયન મુઝાહિદ્દીનને ભારતીય સેના સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્યા. તાલિબાનીઓએ તૈયાર કર્યા બાદ હથિયાર આપવામાં હતા.
મુશર્રફે એ પણ સ્વીકાર્યું કે અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાને જ ધાર્મિક આતંકવાદની શરૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે ૧૯૭૯માં અમે પાકિસ્તાનને લાભ પહોંચાડવા અને સોવિયેત સંધને ત્યાંથી બહાર કાઢવાને માટે અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉગ્રવાદની શરૂઆત કરી હતી. દુનિયાભરના આતંકવાદીઓને અમે પ્રશિક્ષિત કર્યા છે અને તેમને હથિયારો પણ આપ્યા છે. તે અમારા નાયક હતા. હ્ક્કાની અમારા નાયક હતા. ઓસામા બિન લાદેન અમારા નાયક હતા ત્યારે સ્થિતિ અલગ હતી. પરંતુ હવે વાત અલગ છે. નાયક થોડા સમય બાદ ખલનાયક બની ગયા છે.
કાશ્મીરમાં અશાંતિને વિશે વાત કરતાં મુશર્રફે કહ્યું કે પાકિસ્તાન આવનારા કાશ્મીરીઓને અહીં નાયકની જેમ સ્વાગત મળ્યું છે. અમે તેમને પ્રશિક્ષિત કરતાં હતાં અને તેમનું સમર્થન કરતા હતા. અમે તેમને મુઝાહિદ્દીન માનતા હતા અને તે પછી ભારતીય સેનાની સાથે લડતા હતા. લશ્કર એ તૈયબ્બા જેવા અનેક આતંકવાદી સંગઠન આ સમયે મજબૂત બન્યા. તે અમારા નાયક હતા.