વાર્તા કહેવાની કળામાં ચોરપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાવરધા પુરવાર થયાં
૨૮ શાળાઓના વિદ્યાર્થી સ્પર્ધકોમાં જતીન અને રિયા પહેલા નંબરે આવ્યા
વડોદરા, વાર્તા સાંભળવી નાના મોટા સૌ ને ગમે.પણ વાર્તા કહેવી એ અનોખી કળા છે જે બધાને આવડતી નથી.કાનજી ભુટા બારોટ જેવી વાર્તા કહેવાની કળા સાધ્ય હોય તો સાંભળવા લોકો ટોળે વળે છે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવાના એક અનોખા આયામ રૂપે તાજેતરમાં સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા વાર્તા કથન સ્પર્ધા યોજવામાં આવી જેમાં સી.આર.સી.કક્ષાની ૨૮ પ્રાથમિક શાળાઓના વાર્તા કહેનારા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો.આ સ્પર્ધા સાવલી બી.આર.સી.ભવનમાં યોજાઈ હતી.
તેમાં સાવલી તાલુકાના ચોરપૂરા ગામની પ્રાથમિક શાળાના ઠાકોર જતીનકુમાર સંજયભાઈ ધોરણ ત્રણ થી પાંચના વિભાગમાં અને નાનકડી રિયા બળવંતભાઈ ધો.૧/૨ ના વિભાગમાં ખૂબ રસાળ શૈલી થી વાર્તા કહીને અનુક્રમે પહેલા અને બીજા નંબરે આવ્યા હતા.
આ શાળાના આચાર્ય આરીફખાન પઠાણે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ માટે હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું કે અમે શિક્ષણની સાથે સર્જનાત્મકતા વધારતી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ ની પ્રતિભા ખીલવવા પ્રયાસ કરી છે.આ સફળતા થી વિદ્યાર્થીઓ નો અને અમારો ઉત્સાહ વધ્યો છે.