ઈડરના જૈન પરિવારે લગ્નના ચાંદલાની રકમ પાંજરાપોળને અર્પણ કરી
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઈડર શહેરના રહેવાસી ભારત વિકાસ પરિષદ સાબરકાંઠા, ગાંધીનગર તથા અરવલ્લીના વિભાગ મંત્રી નિકેશભાઈ રાજુભાઈ શંખેશરાનુ કુટુંબ પહેલાથી જ ધર્મપ્રેમી, જીવદયાપ્રેમી, રાષ્ટ્રપ્રેમી અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળું રહેલું છે. નિકેશભાઈ વર્ષોથી ઈડર ગઢ પર આવેલ જૈન દેરાસરમાં ચાલીને પૂજા કરવાજાય છે. વર્ષોથી તેઓ ભારત વિકાસ પરિષદ સાથે સંકળાયેલા છે.
બે દિવસ પહેલા જ તેમના પુત્ર કેયુર અને પુત્રીના લગ્ન પ્રસંગે તારીખ ૨૬ -૧૧- ૨૨ ના રોજ ઈડરમાં ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલ સત્કાર સમારંભમાં આવેલ લગ્નના ચાંદલાની રકમ એક લાખ ૧,૦૧,૦૦૦ રૂપિયા તેમણે ઇડર તાલુકાના વસાઈ ખાતે આવેલ આશ્રમના સંત શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ, નવદંપતી અને પરિવારના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઈડરના રાણીતળાવ પાસે આવેલ પાજરાપોળના અબોલ પશુઓ માટે અર્પણ કરી સમાજ માટે એક દ્રષ્ટાંતરૂપ કાર્ય કરી સમાજ માટે પ્રેરણાદાયી પહેલ કરી હતી.
આ પહેલાં પણ તેમણે ૨૦૧૮ માં તેમની પુત્રી અમીના લગ્ન રવિકુમાર સાથે થયા હતા ત્યારે પણ યોજાયેલ સત્કાર સમારંભમા આવેલ ૮૧ હજારનો ચાદલો પણ ઈડરની પૂજાપોળને અર્પણ કર્યો હતો. આજ દિવસે નિકેશભાઈ શંખેશરાની પુત્રવધુ ડો શૈલીના પિતૃ પક્ષે શ્રી ચીમનલાલ નાથાલાલ શાહ પરિવાર હસ્તે સી.એ. શ્રી રાજીવકુમાર ચીમનલાલ શાહે રૂપિયા એકાવન હજારનો ચેક ઈડર પોજરાપોળને અર્પણ કર્યો હતો. પાજરાપોળ સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિનયકાંત દોશીએ ઉપસ્થિત રહી આ ચેક સ્વીકાર્યો હતો. આવા કુટુંબોને સો સો સલામ.